<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

પાકિસ્તાન પાસે ઉઘરાણી અને ભારતમાં અબજોનું રોકાણ: પીએમ મોદીની માત્ર ૨ કલાકની UAE મુલાકાતે બદલ્યા વૈશ્વિક સમીકરણો

કંગાળ પાકિસ્તાનને સાડા ત્રણ અબજ ડોલરનું દેવું ચૂકવવાનો આદેશ આપ્યા બાદ અબુ ધાબીએ ભારતમાં રૂ. ૪૦,૦૦૦ કરોડના નવા રોકાણની કરી જાહેરાત : સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે થયા ૭ ઐતિહાસિક કરારો

અબુ ધાબી:  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને રાજદ્વારી વ્યૂહરચનાએ વૈશ્વિક મંચ પર ફરી એકવાર ભારતનો ડંકો વગાડ્યો છે. યુરોપના ચાર દેશોના પ્રવાસે જતાં પહેલાં પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત ની રાજધાની અબુ ધાબીમાં માત્ર ૨.૧૫ કલાક માટે રોકાયા હતા. આ ટૂંકા ગાળાના રોકાણ દરમિયાન તેમણે અમીરાતના ટોચના નેતાઓ સાથે અત્યંત નિર્ણાયક બેઠકો યોજીને સાત મોટા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે UAE એક સમયે પાકિસ્તાનનું સૌથી મોટું આર્થિક મદદગાર હતું, તેણે પાકિસ્તાન પાસે પોતાના ૩.૫ બિલિયન ડોલર (આશરે ₹૩.૪૫ બિલિયન) ના જૂના દેવાની તાત્કાલિક વસૂલાતની માંગ કરી છે, જ્યારે બીજી તરફ ભારતમાં $5 બિલિયન (આશરે ₹૪૦,૦૦૦ કરોડ) ના નવા રોકાણના કરારો પર મહોર મારી છે.

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચેના આર્થિક તેમજ વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ મળી છે. કરારો અંતર્ગત ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વ્યૂહાત્મક સંગ્રહ કરવા, એલપીજી (LPG) અને એલએનજી (LNG) ની ખરીદીમાં મોટો વધારો કરવા તેમજ ભારતમાં આધુનિક સુપર કોમ્પ્યુટર ક્લસ્ટર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના વાડીનાર ખાતે એક વિશાળ 'શિપ રિપેરિંગ ક્લસ્ટર' (જહાજ સમારકામ કેન્દ્ર) સ્થાપવા માટે પણ સહમતિ સદાઈ છે, જેના કારણે સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. ભારત હાલમાં પોતાની કુલ જરૂરિયાતના ૪૦ ટકા એલપીજી માત્ર UAE પાસેથી જ આયાત કરે છે, અને ઈન્ડિયન ઓઈલ (IOCL) તથા અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની   વચ્ચે થયેલા લાંબા ગાળાના નવા સોદાથી દેશની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.

બીજી તરફ, પાકિસ્તાનની સાઉદી અરેબિયા સાથે વધતી જતી નિકટતાને કારણે UAE અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે. UAE ના કડક વલણને કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી કંગાળ થઈ ગઈ હતી કે તેનો આઈએમએફ (IMF) નો બેલઆઉટ પ્રોગ્રામ પણ અટકી પડવાની અણી પર હતો, જેને બચાવવા છેવટે સાઉદી અરેબિયાએ પાકિસ્તાની બેંકમાં $5 બિલિયન જમા કરાવીને લોન ચૂકવવામાં મદદ કરવી પડી હતી. પાકિસ્તાનની આ આંતરરાષ્ટ્રીય ફજેતી વચ્ચે ભારતે UAE સાથે સાયબર ડિફેન્સ, દરિયાઈ સુરક્ષા, સંયુક્ત સૈન્ય કવાયતો અને સુરક્ષિત સંદેશાવ્યવહાર જેવા અદ્યતન ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીના નવા માળખાની સ્થાપના કરી છે. પીએમ મોદીની આ મુલાકાતે સ્પષ્ટ કરી દીધું છે કે વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજનીતિમાં હવે ભારતની સ્થિતિ અત્યંત મજબૂત અને નિર્ણાયક બની ચૂકી છે.

(6:13 PM IST)