તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
બિહારના રાજકારણમાં ગરમાવો: તેજસ્વી યાદવના ગઢ રાઘોપુરમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ‘નીતિશ સેતુ’નું ઉદ્ઘાટન કરી ગમછો લહેરાવ્યો
ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતા ૬-લેન પુલના લોકાર્પણ સાથે ₹૩૪,૪૭૦ કરોડના વિકાસકાર્યોની ભેટ; પુલના નામકરણ અને ક્રેડિટ લેવા મુદ્દે આરજેડી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ

પટન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે બિહારના પ્રવાસ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવના ગઢ ગણાતા વૈશાલી જિલ્લાના રાઘોપુર વિસ્તારમાં ગંગા નદી પર નિર્મિત મહત્વાકાંક્ષી ૬-લેન ‘નીતિશ સેતુ’નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને પુલ પર ચાલીને બિહારી અંદાજમાં ગમછો લહેરાવી વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે તેમણે બિહારને ₹૩૪,૪૭૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ પણ આપી હતી.
પટના એરપોર્ટ પર નરેન્દ્રભાઈ મોદી-નીતિશની ઉષ્માભરી મુલાકાત
વૈશાલી પહોંચતા પહેલાં પટના એરપોર્ટ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવી ઉષ્માભરી મુલાકાત કરી હતી. ત્યારબાદ વૈશાલીના રાજાપાકર સ્થિત જાફરપટ્ટી ખાતે આયોજિત જાહેર સભામાં વડાપ્રધાન ખુલ્લી જીપમાં સવાર થઈને પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા.
‘નીતિશ સેતુ’ની વિશેષતાઓ
પટનાના કચ્છી દરગાહ (NH-22) થી વૈશાલીના બિદુપુર (NH-322) ને જોડતો આ પ્રોજેક્ટ કુલ ૧૯.૭ કિલોમીટર લાંબો છે, જેમાં ૯.૭ કિલોમીટરનો મુખ્ય ૬-લેન કેબલ-સ્ટે પુલ અને ૧૦ કિલોમીટરના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. અંદાજે ₹૪,૨૮૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પુલને કારણે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેનો વાહનવ્યવહાર અત્યંત સરળ બનશે.
જનસભામાં વડાપ્રધાનનું સંબોધન
જાફરપટ્ટીની સભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, "દાયકાઓની મુશ્કેલીઓ બાદ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારને સુશાસનનો નવો આત્મવિશ્વાસ મળ્યો છે અને હવે સમ્રાટ ચૌધરીની ટીમ આ મિશનને આગળ ધપાવી રહી છે." તેમણે દિવંગત નેતા રામવિલાસ પાસવાનને યાદ કરતા કહ્યું કે આજે તેમનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે. આ પુલથી યુવાનોને અભ્યાસ અને વડીલોને સારવાર માટે આવવા-જવામાં મોટી રાહત મળશે.
નામકરણ અને પુનઃ ઉદ્ઘાટન મુદ્દે રાજકીય ઘમાસાણ
આ કાર્યક્રમ અગાઉ બિહારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે આ પુલના નિર્માણમાં કેન્દ્ર સરકારનું કોઈ આર્થિક યોગદાન નથી અને ૧૭ મહિના પહેલાં જ પુલ શરૂ થઈ ચૂક્યો હોવા છતાં માત્ર શ્રેય લેવા અને તકતી પર નામ લખાવવા માટે ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસે પુલનું નામ ગુરુ ગોવિંદ સિંહજીના નામ પર રાખવાની માંગણી દોહરાવી હતી. તેના જવાબમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે વિપક્ષ તસવીરની વાત કરે છે, પરંતુ આખો પુલ જ નીતિશ કુમારની સેવાભાવનાને સમર્પિત 'નીતિશમય' છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
