<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

નીટ/યુજી પરીક્ષા વિરોધ આંદોલનને લઈને બિહાર સરકારની મોટી જાહેરાત : પ્રદર્શનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવા અને ધરપકડ કરાયેલા લોકોને ત્વરિત મુક્ત કરવા આદેશ

૨૬ જુલાઈ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના વિરોધ પ્રદર્શનોમાં સામેલ વ્યક્તિઓ સામે કોઈ દંડાત્મક પગલાં ન લેવા અને ભવિષ્યમાં પણ કાર્યવાહી ન કરવાની ગૃહ વિભાગ દ્વારા લેખિત ખાતરી

પટના : NEET/UG પરીક્ષામાં કથિત ગડબડી, જવાબદેહી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સુધારાની માંગ સાથે યોજાયેલા રાજ્યવ્યાપી આંદોલનો સંદર્ભે બિહાર સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરવામાં આવી છે. તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગૃહ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અને આઈએપીએસ અધિકારી ક્ષત્રનીલ સિંહ દ્વારા આ સત્તાવાર પત્ર જારી કરીને આંદોલનકારીઓને મોટી રાહત આપતી મહત્વની ખાતરીઓ આપવામાં આવી છે.

 

 વિરોધ પ્રદર્શનકારીઓ સામે કાનૂની કાર્યવાહી ન કરવાની ખાતરી:

બિહાર સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનાર કોઈપણ વ્યક્તિ સામે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વિપરીત, દંડાત્મક કે બદલાલક્ષી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

 

 એફઆઈઆર રદ કરવા અને ધરપકડ કરાયેલાઓને મુક્ત કરવા નિર્દેશ:

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના આંદોલનમાં ભાગ લેવા બદલ નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR), ફોજદારી ફરિયાદો કે કારણદર્શક નોટિસો (Showcause notices) પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તુરંત જ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આ સમયગાળા સુધીના કેસો સંબંધિત અટકાયતમાં લેવાયેલા અથવા ધરપકડ કરાયેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવશે.

 

 ભવિષ્યમાં પણ કાર્યવાહી ન કરવાનો સ્પષ્ટ આદેશ:

ગૃહ વિભાગની પ્રેસ વિજ્ઞપ્તિમાં વધુમાં જણાવાયું છે કે ૨૬ જુલાઈ ૨૦૨૬ ના સાંજના ૬:૦૦ વાગ્યા પહેલાં નોંધાયેલા તમામ કિસ્સાઓમાં, ભવિષ્યમાં પણ સંબંધિત વ્યક્તિઓ સામે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

(10:47 PM IST)