<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

બિહારના મુખ્યમંત્રીના જનતા દરબારમાં આક્રમક અંદાજ: ફરિયાદી મહેન્દ્ર ઋષિએ જાહેરમાં કહ્યું, ‘સાહેબ, મારી સાથે આવો, હું ભ્રષ્ટ અધિકારીઓના પર્દાફાશ કરીશ’ – જમીન વિવાદમાં વૃદ્ધા રડતા-રડતા સમ્રાટ ચૌધરીના પગે પડી!

નીતિશ કુમારની પરંપરાને સમ્રાટ ચૌધરીએ આગળ ધપાવી: 400 થી વધુ ફરિયાદીઓની વ્યથા સાંભળી, જમીન માફિયાઓ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક્શન મોડમાં નવા મુખ્યમંત્રી - હાઈટેક ફોટો સિસ્ટમે આકર્ષણ જગાવ્યું

પટણા : બિહારના રાજકારણમાં નવી કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જનતા સાથે સીધો સંવાદ સાધવા માટે ‘જનતા દરબાર’ની શરૂઆત કરી છે. પોતાના નિવાસસ્થાને આયોજિત આ પ્રથમ દરબારમાં ભાવુક દ્રશ્યો અને આકરા તેવર બંને જોવા મળ્યા હતા. જમીન વિવાદથી લઈને ભ્રષ્ટાચાર સુધીની ફરિયાદોનો ધોધ વછૂટ્યો હતો, જેમાં એક પીડિતે તો મુખ્યમંત્રીને સીધો જ પડકાર ફેંક્યો કે તેઓ પોતે અધિકારીઓના પાપનો પર્દાફાશ કરવા તૈયાર છે.
વૃદ્ધાની વેદના: ‘ન્યાય માટે દોડીને કંટાળી ગઈ છું’
જનતા દરબારમાં સૌથી વધુ હૃદયસ્પર્શી દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે પૂર્ણિયાની એક વૃદ્ધ મહિલા રડતા-રડતા મુખ્યમંત્રી પાસે પહોંચી. મહિલાએ પોતાની જમીન છેતરપિંડીથી વેચાઈ ગઈ હોવાની ફરિયાદ કરતા કરતા મુખ્યમંત્રીના પગે પડવા પ્રયાસ કર્યો અને સંતુલન ગુમાવતા જમીન પર પડી ગઈ. સમ્રાટ ચૌધરીએ તરત જ આગળ વધી તેમને ઉભા કર્યા અને સાંત્વના આપતા કહ્યું, "ચિંતા ન કરો, તમને ન્યાય મળશે." મુખ્યમંત્રીએ તાત્કાલિક પોતાની ટીમને આ મામલે કડક તપાસના આદેશ આપ્યા હતા.
ભ્રષ્ટાચાર અને રોજગારનો ગુંજ્યો અવાજ
માત્ર જમીન વિવાદ જ નહીં, પણ અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે પણ જનતામાં ભારે રોષ જોવા મળ્યો. ફરિયાદી મહેન્દ્ર ઋષિએ જાહેરમાં કહ્યું કે, "સમ્રાટ ચૌધરી, તમે મારી સાથે ચાલો, હું તમને બતાવીશ કે કઈ રીતે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે." બીજી તરફ, રોજગારની આશા લઈને આવેલી મીતા દેવી નામની મહિલાએ પોતાની મજબૂરી જણાવતા કહ્યું કે તે ભણેલી હોવા છતાં ગાર્ડની નોકરી કરવા પણ તૈયાર છે, બસ તેને કામ મળવું જોઈએ.
હાઈટેક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રેકિંગ
સમ્રાટ ચૌધરીનો આ દરબાર વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આધુનિક રહ્યો હતો. દરેક અરજીની વિગતો ડિજિટલ ફોર્મેટમાં સેવ કરવામાં આવી હતી જેથી તેના પર થયેલી કાર્યવાહીને ઓનલાઈન ટ્રેક કરી શકાય. આ ઉપરાંત, મુખ્યમંત્રીને મળવા આવેલા સમર્થકો માટે એક ખાસ વ્યવસ્થા હતી; લોકો મુખ્યમંત્રી સાથે ફોટો પડાવ્યા બાદ એક ખાસ કોડ સ્કેન કરીને તરત જ એ ફોટો પોતાના મોબાઈલ પર મેળવી શકતા હતા.
29 વિભાગોની જવાબદારી અને જનતાની આશા
બિહારમાં હાલ મંત્રીમંડળનું વિસ્તરણ બાકી હોવાથી સમ્રાટ ચૌધરી ગૃહ વિભાગ સહિત મહત્વના 29 વિભાગો સંભાળી રહ્યા છે. આ જ કારણ છે કે જનતા દરબારમાં પોલીસ, મહેસૂલ અને શિક્ષણ જેવા તમામ ક્ષેત્રોની ફરિયાદો જોવા મળી હતી. પીએમ મોદી અને નીતિશ કુમારના સંકલનથી બનેલી આ નવી સરકાર અને નવા મુખ્યમંત્રી પાસેથી બિહારની જનતાને હવે ભ્રષ્ટાચારમુક્ત શાસનની મોટી આશા જાગી છે.

(10:51 PM IST)