તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
બિહાર બનશે નવું ઔદ્યોગિક હબ: ગયામાં ૧૭૦૦ એકરનું મેગા મેન્યુફેક્ચરિંગ સિટી લોન્ચ : ૨૦,૦૦૦ MW વીજળી અને ૬ સ્ટીલ પ્લાન્ટ સાથે સમ્રાટ ચૌધરીનો હુફાળો હુંકાર!
બોધગયામાં BIMCGLના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ₹૪,૦૯૨ કરોડના રોકાણ પ્રસ્તાવો પર મહોર : ઉદ્યોગપતિઓને ૩૦ દિવસમાં તમામ મંજૂરીઓ આપવા કડક આદેશ : નિષ્ફળ જનાર અધિકારીઓ સામે લાલ આંખ

ગયાજી : બિહારને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી કદમ ઉઠાવ્યું છે. પવિત્ર ભૂમિ ગયાજી ખાતે ૧૭૦૦ એકરમાં આકાર લઈ રહેલા 'બિહાર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સિટી ગયા લિમિટેડ' નું ભવ્ય મેગા લોન્ચિંગ અને 'બિહાર બિઝનેસ કનેક્ટ-૨૦૨૭' ના કર્ટન રેઝર સમારોહનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. દેશભરના અગ્રણી રોકાણકારો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં રૂ. ૪,૦૯૨ કરોડના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે, જે બિહારના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને એક નવી વ્યાખ્યા આપશે.
આ પ્રસંગે ઉદ્યોગ જગતને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક અત્યંત કડક અને મોટી જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બિહારમાં ફેક્ટરી કે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરનારા કોઈ પણ રોકાણકારને માત્ર ૩૦ દિવસની અંદર તમામ જરૂરી સરકારી મંજૂરીઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જો નક્કી કરેલા સમયગાળામાં સુવિધાઓ નહીં મળે, તો તેને જવાબદાર અધિકારીઓ સામે સખત શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે. આ સાથે ઉદ્યોગ મંત્રી શ્રેયસી સિંહે પણ ઉમેર્યું હતું કે ૨૪ ઓક્ટોબરથી જ આ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સિટીમાં ઔદ્યોગિક પ્લોટ માટેની સત્તાવાર અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બિહારના ભવિષ્યનો રોડમેપ રજૂ કરતા મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે રાજ્ય ઝડપથી સ્ટીલ હબ તરીકે ઊભરી રહ્યું છે અને આગામી સમયમાં અહીં ૬ મોટા સ્ટીલ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે. વધી રહેલા ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન અને નેટવર્ક તૈયાર કરવામાં આવશે. જાન્યુઆરી સુધીમાં મોટા પાયે જમીન ઉપલબ્ધ કરાવવા, ૧૨ નવી ટાઉનશીપ વિકસાવવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે NRI સેલ શરૂ કરવા જેવા નિર્ણયો સાથે બિહાર હવે પોતાનું પ્રાચીન ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવા અને યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારી આપવા માટે સજ્જ બન્યું છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
