<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાત્રે આકાશમાં ચમક્યો વર્ષનો સૌથી મોટો સુપરમૂન: સામાન્ય પૂર્ણિમા કરતાં 16 ટકા મોટો અને વધુ તેજસ્વી દેખાયો ચંદ્ર

દુનિયાભરના ખગોળપ્રેમીઓએ આ નજારો ખૂબ જ રસપૂર્વક નિહાળ્યો: ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગથી લઈને શ્રીનગર સુધી તેના સુંદર દૃશ્યો જોવા મળ્યા

વર્ષનો સૌથી મોટો સુપરમૂન, જેને ‘બીવર મૂન’ કહેવામાં આવે છે, તે 24 નવેમ્બરે રાત્રિના આકાશમાં ચમક્યો હતો. દુનિયાભરના ખગોળપ્રેમીઓએ આ નજારો ખૂબ જ રસપૂર્વક નિહાળ્યો હતો. ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગથી લઈને શ્રીનગર સુધી તેના સુંદર દૃશ્યો જોવા મળ્યા હતા.

પૃથ્વીની વધુ નજીક હોવાને કારણે આ ચંદ્ર સામાન્ય પૂર્ણિમાની સરખામણીમાં આશરે 16 ટકા મોટો અને 16 ટકા વધુ તેજસ્વી દેખાય છે. દુનિયાભરના ખગોળશાસ્ત્રના શોખીનો આ નજારાની આતુરતાથી રાહ જુએ છે અને તેને નિહાળે છે.

 

નિષ્ણાતે જણાવ્યું છે કે ડિસેમ્બરની પૂર્ણિમા વખતે ચંદ્ર પૃથ્વીથી માત્ર 2,21,667 માઇલ દૂર હશે. જાન્યુઆરી 2027ની પૂર્ણિમા વખતે પણ તે લગભગ આટલા જ અંતરે હશે. પૃથ્વીથી ચંદ્રનું સરેરાશ અંતર 2,38,855 માઇલ છે.

 

આ દરમિયાન ચંદ્રમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ પૃથ્વીની નજીક હોવાને કારણે તે મોટો દેખાય છે. સામાન્ય રીતે દર 12 મહિનાના સમયગાળામાં ત્રણ સુપરમૂન જોવા મળે છે અને તેના છ મહિના પછી ત્રણ ‘માઇક્રોમૂન’ એટલે કે નાના દેખાતા ચંદ્ર જોવા મળે છે.

પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષા સંપૂર્ણપણે ગોળ નથી. તેથી કેટલીક વખત ચંદ્ર પૃથ્વીની વધુ નજીક આવે છે. પૃથ્વીની નજીક હોવાને કારણે ચંદ્ર મોટો દેખાય છે, જેને સુપરમૂન કહેવામાં આવે છે.

 

‘બીવર મૂન’ નવેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન સતત જોવા મળનારા ચાર સુપરમૂનમાંથી પ્રથમ છે. આ વર્ષના સૌથી મોટા સુપરમૂન પૈકીનો એક છે, જેને 24 નવેમ્બરે આકાશમાં નિહાળવામાં આવ્યો હતો.

 

બીવર ફુલ મૂનનું નામ મૂળ અમેરિકાની ‘અલ્ગોન્ક્વિન’ પરંપરાઓ પરથી આવ્યું છે. વર્ષના આ સમયે બીવર નામના એક પ્રકારના જળચર પ્રાણી સૌથી વધુ સક્રિય હોય છે અને આવનારા ઠંડા મહિનાઓ માટે પોતાનાં ઘર અને બંધ તૈયાર કરે છે.

 

ભારતનાં પણ અનેક શહેરોમાં 24 નવેમ્બરની સાંજે સુપરમૂને આકાશમાં પોતાની સુંદરતા પાથરી હતી. ચંદ્ર સામાન્ય દિવસો કરતાં ઘણો મોટો અને તેજસ્વી દેખાયો હતો. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘સુપરમૂન’ અને ‘બીવર મૂન’ કહેવામાં આવે છે.

 

નેધરલેન્ડ્સમાં પૂર્ણ ચંદ્ર ઇરાસ્મસ બ્રિજના તારની પાછળ દેખાયો હતો. જ્યારે પાકિસ્તાનના કરાચીમાં પણ આ અદભુત નજારો જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સમય અનુસાર, 24 નવેમ્બરે સાંજે 7:53 વાગ્યે ચંદ્ર પોતાની સંપૂર્ણ ચમક પર હતો. આ દરમિયાન હજારો લોકોએ આ નજારો નિહાળ્યો હતો.

 

વર્ષનો સૌથી મોટો સુપરમૂન, જેને ‘બીવર મૂન’ કહેવામાં આવે છે, તે 24 નવેમ્બરે રાત્રિના આકાશમાં ચમક્યો હતો. દુનિયાભરના ખગોળપ્રેમીઓએ આ નજારો ખૂબ જ રસપૂર્વક નિહાળ્યો હતો. ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગથી લઈને શ્રીનગર સુધી તેના સુંદર દૃશ્યો જોવા મળ્યા હતા.

(1:39 PM IST)