News of Monday, 9th November 2026
કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટી રાહત: ૧૩૭ મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં ૯૬% સુધીનો તોતિંગ ઘટાડો, ૯ નવેમ્બરથી લાગુ થશે નવા દર
રસાયણ અને ખાતર મંત્રાલય તેમજ NPPA નો સંવેદનશીલ નિર્ણય: કેન્સર સારવારની અતિ મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જિન મર્યાદિત કરાતાં દેશના ગ્રાહકોને વાર્ષિક ₹૩,૫૦૨ કરોડની થશે સીધી બચત : બજારમાં ૬૦૦થી વધુ બ્રાન્ડ્સ અડધા ભાવે મળશે

નવી દિલ્હી: દેશમાં દિવસેને દિવસે વધી રહેલા કેન્સરના કેસો વચ્ચે દર્દીઓ અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકાર તરફથી એક આશાનું કિરણ અને ખૂબ જ મોટો આર્થિક દિલસોજી ભર્યો નિર્ણય સામે આવ્યો છે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત નિર્ધારણ સત્તામંડળ (NPPA) એ કેન્સરની સારવારમાં વપરાતી ૧૩૭ જેટલી અત્યંત મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓ પર વેપાર માર્જિન (TMR) નક્કી કરીને તેમના ભાવમાં ક્રાંતિકારી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) ની નિષ્ણાત સમિતિની સુચનાઓ બાદ લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય ૯ નવેમ્બરથી દેશભરમાં અમલી બનશે, જેનાથી દેશના સામાન્ય નાગરિકોને દર વર્ષે આશરે ₹૩,૫૦૨.૩૧ કરોડથી વધુની વાર્ષિક બચત થશે.
આ ભાવ ઘટાડાની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૭૬ જેટલી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ૧૨૧ દવાઓના ૧,૨૨૫ ફોર્મ્યુલેશન માટે સુધારેલા દરો સબમિટ કર્યા છે, જેમાં ૧,૦૩૧ ફોર્મ્યુલેશનના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આશરે ૬૦૦ જેટલી બ્રાન્ડેડ દવાઓની કિંમતોમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે કેટલીક દવાઓમાં તો મહત્તમ ૯૬.૪૫ ટકા સુધીનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, સ્તન કેન્સરની અત્યંત મહત્વપૂર્ણ કેપ્સ્યુલ 'પાલ્બોપ્રો' (૧૨૫ મિલિગ્રામ) ની કિંમત ₹૪૦,૪૨૧.૩૩ થી સીધી ઘટીને માત્ર ₹૨,૭૨૦ થઈ ગઈ છે! તેવી જ રીતે, પ્રોસ્ટેટ કેન્સરની ટેબ્લેટ 'એબિરોન' ₹૪૧,૨૫૦ ના સ્થાને હવે માત્ર ₹૩,૨૧૮.૨૩ માં ઉપલબ્ધ બનશે.
મૌલિક ફેરફારો બાદ ફેફસાં, સર્વાઇકલ, પ્રોસ્ટેટ, સ્તન અને બ્લડ કેન્સર સહિત વિવિધ ગંભીર કેન્સરની સારવાર કરાવતા લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે સારવારનો ખર્ચ સરભર કરવો આસાન બનશે. ઝાયડસ, ડૉ. રેડ્ડીઝ, ગ્લેનમાર્ક, સિપ્લા અને રિલાયન્સ લાઇફ સાયન્સિસ જેવી મોટી બ્રાન્ડ્સના મોંઘા ઇન્જેક્શન અને ટેબ્લેટ્સ હવે ખૂબ નીચા દરે દર્દીઓ સુધી પહોંચશે. સરકારના આ અભિનવ કદમથી કેન્સર જેવી અસાધ્ય અને આર્થિક રીતે કમરતોડ બીમારી સામે લડી રહેલા પરિવારો પરનો નાણાકીય બોજ હળવો થશે અને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ માનવતાવાદી કલ્યાણની દિશામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત થશે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
