News of Tuesday, 7th July 2026
શેરબજારના રોકાણકારો માટે સૌથી મોટા સમાચાર: સેબી ૧ ઓગસ્ટથી ફરી શરૂ કરી રહી છે 'ઓપન માર્કેટ શેર બાયબેક'; હવે કંપનીઓ પાસે રહેશે માત્ર ૬૬ દિવસનો સમય
કંપનીઓ માટે ખર્ચ ઘટશે અને બિઝનેસ કરવો સરળ બનશે; મર્ચન્ટ બેંકરની નિમણૂક હવે ફરજિયાત નહીં; ટેક્સના નિયમો બદલાતા નાના શેરધારકોને પણ થશે મોટો ફાયદો

નવી દિલ્હી, તા.૦૭: ભારતીય શેરબજારના નિયમનકાર સેબી (SEBI) એ લિસ્ટેડ કંપનીઓ અને રોકાણકારો માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સેબીએ સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટમાંથી શેર બાયબેક (પોતાના જ શેર પાછા ખરીદવા) ની પ્રક્રિયાને આગામી ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી ફરીથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો હેઠળ, હવે કંપનીઓ માટે બાયબેકની આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માત્ર ૬૬ કાર્યકારી દિવસો (Working Days) ની કડક સમયરેખા નક્કી કરવામાં આવી છે, જે અગાઉ છ મહિના સુધી ખેંચાતી હતી.
સુગમતા વધશે અને શેરના ભાવને મળશે સપોર્ટ
સેબીના આ પ્રગતિશીલ પગલાનો મુખ્ય હેતુ કંપનીઓ માટે મૂડી વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ અને સરળ બનાવવાનો છે. જ્યારે પણ બજારમાં મંદી કે નબળાઈનો માહોલ હોય, ત્યારે કંપનીઓ આ માર્ગનો ઉપયોગ કરીને શેરધારકોને વધારાની રોકડ પરત કરી શકશે અને પોતાના શેરના ભાવને સપોર્ટ આપી શકશે. ઉલ્લેખનીય છે કે, સેબીએ વર્ષ ૨૦૨૫ માં ઓપન-માર્કેટ બાયબેક પદ્ધતિને તબક્કાવાર બંધ કરી દીધી હતી, કારણ કે તેમાં અમુક પસંદગીના મોટા રોકાણકારોને જ ફાયદો થતો હોવાની આશંકા હતી. પરંતુ હવે નવી વ્યવસ્થા સાથે તેને પુનર્જીવિત કરવામાં આવી રહી છે.
નવા નિયમોની ખાસ વાતો અને શરતો
સેબીએ ૧ જુલાઈના રોજ બહાર પાડેલી સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે:
• ૧ ઓગસ્ટથી શરૂ થનારા ઓપન માર્કેટ બાયબેકનું કદ કંપનીની પેડ-અપ કેપિટલ (ચૂકવેલી મૂડી) અને ફ્રી રિઝર્વના ૧૫% કરતા ઓછું હોવું જોઈએ.
• આ મર્યાદા કંપનીના સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ બંને નાણાકીય સ્ટેટમેન્ટના આધારે નક્કી થશે.
• કંપની દ્વારા જાહેર જાહેરાત કર્યાના માત્ર ૪ કાર્યકારી દિવસોમાં બાયબેક ઓફર ખુલી જશે અને ત્યાર બાદ ૬૬ દિવસમાં તેને ક્લોઝ (બંધ) કરવી પડશે.
કંપનીઓનો ખર્ચ ઘટશે: મર્ચન્ટ બેંકર હવે મરજીયાત
બિઝનેસ કરવાની સરળતા (Ease of Doing Business) ને પ્રોત્સાહન આપવા માટે સેબીએ કંપનીઓ પરથી આર્થિક બોજ ઓછો કર્યો છે. હવે બાયબેક પ્રક્રિયા માટે કોઈ મર્ચન્ટ બેંકરની નિમણૂક કરવી કંપની માટે ફરજિયાત નથી, પરંતુ વિવેકાધીન (Optional) રહેશે. જો કંપની મર્ચન્ટ બેંકર ન રાખે, તો તેની તમામ જવાબદારીઓ કંપનીના સેક્રેટરીયલ ઓડિટર, વૈધાનિક ઓડિટર અને પાલન અધિકારી (Compliance Officer) એ પોતે સંભાળવાની રહેશે. તે જ સમયે, કંપનીઓની માહિતી હવે અખબારો ઉપરાંત ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા સીધી શેરધારકો સુધી પહોંચાડવામાં આવશે.
ટેક્સ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર
નવા નિયમો મુજબ હવે ટેક્સેશન માળખામાં પણ સમાનતા લાવવામાં આવી છે. બાયબેકમાં શેર વેચનારા જાહેર શેરધારકો પર હવે તેમના વાસ્તવિક મૂડી લાભ (Capital Gains) મુજબ જ ટેક્સ લાગશે, જે સામાન્ય રીતે સ્ટોક એક્સચેન્જ પર શેર વેચવા સમાન જ ગણાશે. આનાથી બાયબેકમાં ભાગ લેનારા અને ભાગ ન લેનારા શેરધારકો વચ્ચેનો ટેક્સ તફાવત ખતમ થઈ જશે. આ ઉપરાંત, પ્રમોટરોના શેર બાયબેક સમયગાળા દરમિયાન ફ્રીઝ રહેશે, જેથી કોઈ ગેરરીતિ ન થાય અને લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) ના નિયમોનું પણ ઉલ્લંઘન નહીં થાય. વૈશ્વિક બજારોની તર્જ પર લેવાયેલો સેબીનો આ નિર્ણય ભારતીય કોર્પોરેટ જગત માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
