તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
બિહારના રેલ્વે ઈતિહાસમાં સૌથી મોટો ચમત્કાર: પટનાથી દિલ્હી માત્ર 5 કલાકમાં પહોંચાડશે બુલેટ ટ્રેન, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની ધમાકેદાર જાહેરાત!
છપરામાં રેલ્વેના મેગા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ; બિહારનું રેલ બજેટ ₹1,000 કરોડથી વધીને થયું ₹10,000 કરોડ, રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધી શાળાઓ ખુલ્લી રાખવા સીએમ સમ્રાટ ચૌધરીનો મોટો નિર્ણય

છપરા, : બિહારના કરોડો રેલ મુસાફરો માટે એક અત્યંત હર્ષના અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં હવે બુલેટ ટ્રેન દોડવાનું સપનું બહુ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે. છપરા-આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ ટ્રેનના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક વિશાળ જનમેદનીને સંબોધતા જાહેરાત કરી છે કે, આગામી વર્ષોમાં બિહારને હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેટવર્ક સાથે સીધું જોડી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ પટનાથી દેશની રાજધાની દિલ્હી પહોંચવામાં 5 કલાકથી પણ ઓછો સમય લાગશે, જે અત્યાર સુધીના પ્રવાસ સમય કરતાં અડધાથી પણ ઓછો છે.
બિહારના રેલ બજેટમાં ૧૦ ગણો તોતિંગ વધારો
કેન્દ્ર સરકાર દ્વારા બિહારના રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. રેલ્વે મંત્રીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, "વર્ષ 2014 પહેલા બિહારને રેલ્વેના વિકાસ માટે વાર્ષિક માત્ર ₹1,000 કરોડની ફાળવણી થતી હતી, જે અમારી સરકારે વધારીને હવે દર વર્ષે ₹10,000 કરોડ કરી દીધી છે." આ ભંડોળના કારણે રાજ્યમાં રેલવે ટ્રેકોનું વિસ્તરણ, ત્રીજી અને ચોથી લાઈન નાખવાની કામગીરી તેમજ આધુનિકીકરણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં બિહારમાં 11 અમૃત ભારત એક્સપ્રેસ અને 14 હાઈટેક વંદે ભારત ટ્રેનો સફળતાપૂર્વક દોડી રહી છે અને આગામી 5 થી 8 વર્ષમાં રાજ્યમાંથી વધુ 200 નવી ટ્રેનો શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, માધૌરા રેલ્વે એન્જિન ફેક્ટરીમાં બનેલા મેડ-ઇન-ઇન્ડિયા લોકોમોટિવ્સ (રેલ એન્જિન) હવે વિદેશોમાં પણ નિકાસ થઈ રહ્યા છે.
બિહારમાં હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલશે શાળાઓ!
આ જ સમારંભ દરમિયાન મંચ પર ઉપસ્થિત બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફાર કરવાનો સંકેત આપતા એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, બિહારના વિદ્યાર્થીઓને NEET, JEE અને અન્ય રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ અને મફત વાતાવરણ મળી રહે તે માટે રાજ્યની સરકારી શાળાઓને રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રાખવા પર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. શાળાના નિયમિત સમય પછી વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજી આધારિત વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વધારાના ક્લાસ લેવામાં આવશે.
ઔદ્યોગિક ક્રાંતિ માટે 11 નવી ટાઉનશીપ
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારને વેગ આપવા માટે 11 નવી અત્યાધુનિક ટાઉનશીપ વિકસાવવામાં આવી રહી છે, જેમાંથી 2 મોટી ટાઉનશીપ એકલા છપરા જિલ્લામાં જ બનશે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, જનાર્દન સિંહ સિગ્રીવાલ સહિત ભાજપના અનેક વરિષ્ઠ ધારાસભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
