<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

નોકરીયાત વર્ગ માટે સૌથી મોટા ખુશખબર: હવે વેબસાઇટ લોગ-ઇનની માથાકૂટ ખતમ! વોટ્સએપ પર માત્ર 'Hello' લખીને જાણી શકાશે PF બેલેન્સ

EPFO લાવશે અદ્યતન 'વોટ્સએપ ચેટબોટ' સેવા; છેલ્લા ૫ ટ્રાન્ઝેક્શનની વિગતો અને પીએફ ક્લેમ સ્ટેટસ પણ સેકન્ડોમાં મોબાઈલ સ્ક્રીન પર દેખાશે

નવી દિલ્હી : દેશના કરોડો નોકરીયાત અને મધ્યમ વર્ગના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હસ્તકના EPFO (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) તરફથી એક અત્યંત રાહતજનક અને ડિજિટલ ક્રાંતિ સમાન સમાચાર આવ્યા છે. પીએફ ધારકોએ હવે પોતાના ખાતાનું બેલેન્સ જાણવા, પાસબુક જોવા કે ક્લેમ સ્ટેટસ ચેક કરવા માટે વારંવાર કમ્પ્યુટર ખોલીને યુએન (UAN) પોર્ટલ પર જવાની કે સરકારી ઉમંગ (UMANG) એપમાં લોગ-ઇન કરવાની લાંબી ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. અહેવાલો અનુસાર, EPFO ખૂબ જ ટૂંક સમયમાં એક શાનદાર વોટ્સએપ-આધારિત (WhatsApp-based) સત્તાવાર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં યુઝર્સ માત્ર એક 'Hello' મોકલીને પોતાના પીએફ ખાતાની કુંડળી મેળવી શકશે.

હાલના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વાપરતો દરેક નાગરિક દિવસમાં અનેકવાર વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને EPFO પોતાના ગ્રાહકોને સૌથી ઝડપી અને સરળ સેવા આપવા માંગે છે. સરકાર હાલમાં 'EPFO 3.0' પ્રોજેક્ટ હેઠળ પોતાની તમામ ડિજિટલ સિસ્ટમને હાઇટેક અને યુઝર-ફ્રેન્ડલી બનાવી રહી છે, જેમાં આ વોટ્સએપ સેવાનો ઉમેરો એક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.

માત્ર એક મેસેજ અને બધી જ વિગતો હાજર!

સીએનબીસી ટીવી ૧૮ (CNBC TV 18) ના અહેવાલ મુજબ, આ નવી સુવિધા હેઠળ પીએફ ધારકોએ EPFO ના સત્તાવાર અને વેરિફાઇડ વોટ્સએપ નંબર પર જઈને માત્ર "Hello" અથવા "Hi" લખીને મેસેજ કરવાનો રહેશે. મેસેજ સેન્ડ થતાં જ સામેથી એક ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ સિસ્ટમ સક્રિય થઈ જશે અને યુઝરની સ્ક્રીન પર વિવિધ વિકલ્પોના બટન દેખાશે. આ મેનૂમાંથી માત્ર એક ક્લિક કરીને બેલેન્સ ચેક, છેલ્લી પાંચ જમા-ઉપાડની વિગતો (Mini Statement) કે પછી એડવાન્સ પીએફ ઉપાડના દાવાની સ્થિતિ જાણી શકાશે. આ સિસ્ટમ હાલની અદ્યતન બેંકિંગ વોટ્સએપ સેવાઓ જેવી જ સુરક્ષિત અને ઝડપી હશે.

ક્લેમ સ્ટેટસ ટ્રેક કરવું હવે બનશે ડાબા હાથનો ખેલ

સામાન્ય રીતે પીએફમાંથી પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી કર્મચારીઓ સતત ચિંતામાં રહે છે કે પૈસા ક્યારે ખાતામાં જમા થશે. લોકો વારંવાર સ્ટેટસ ચેક કરવા વેબસાઇટ ફેંદતા હોય છે. હવે આ ચિંતાનો અંત આવશે, કારણ કે દાવો પ્રક્રિયામાં (Under Process) છે, મંજૂર (Approved) થયો છે કે બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયો છે, તેની પળેપળની અપડેટ વોટ્સએપ ચેટ પર જ મળી જશે.

જો કે, EPFO હાલમાં મિસ્ડ કોલ અને એસએમએસ (SMS) દ્વારા પણ બેલેન્સ ચેક કરવાની સુવિધા આપે છે, પરંતુ વોટ્સએપ પ્લેટફોર્મ પર એકસાથે મિની સ્ટેટમેન્ટ અને લાઈવ ટ્રેકિંગ જેવી બહુવિધ સુવિધાઓ મળવાને કારણે ગ્રાહકોનો સમય બચશે અને કોઈ અલગથી ભારેભરખમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પણ જરૂર નહીં રહે. ટૂંક સમયમાં જ સરકાર આ સત્તાવાર નંબર જાહેર કરશે તેવી સંભાવના છે.

(7:11 PM IST)