<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ચીનના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ: શી જિનપિંગે સફાયો કરીને ગલવાન-યુગના ટોચના જનરલ ઝાંગ યુક્સિયા પાસેથી પાર્ટી અને લશ્કરી હોદ્દાઓ છીનવી લીધા

પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના સર્વોચ્ચ માળખાને મોટો ફટકો: શી જિનપિંગ પછીના સૌથી શક્તિશાળી લશ્કરી અધિકારીનું નાટ્યાત્મક પતન, બેવફાઈ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો

બેઇજિંગ, તા.૨૨: ચીનના રાજકીય અને લશ્કરી વર્તુળોમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ધડાકો સામે આવ્યો છે. ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ના સર્વેસર્વા અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના લશ્કરી માળખામાં વ્યાપક સફાયો (purge) હાથ ધરતા જનરલ ઝાંગ યુક્સિયાને પાર્ટી અને લશ્કર એમ બંનેમાંથી સત્તાવાર રીતે હાંકી કાઢ્યા છે. 'વિઝન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, પોલિટબ્યુરો દ્વારા મંજૂર કરાયેલો આ નિર્ણય ચીનના સર્વોચ્ચ લશ્કરી અધિકારી (શી જિનપિંગ પછીના ક્રમે આવતા)ના નાટ્યાત્મક પતનનો સ્પષ્ટ સંકેત આપે છે અને પીએલએ (PLA) ના ઓપરેશનલ કમાન્ડમાંથી છેલ્લા સાચા લડાયક અનુભવી અધિકારીઓમાંના એકની બાદબાકી કરી દીધી છે. આ વ્યાપક કાર્યવાહી દરમિયાન સીસીસી જોઈન્ટ સ્ટાફ વિભાગના વડા લિયુ ઝેનલીને પણ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

ઝાંગ અગાઉ સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) ના પ્રથમ ક્રમના વાઈસ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા હતા, જેઓ ચીનના લશ્કરી માળખામાં બીજા સૌથી વરિષ્ઠ અધિકારી હતા. ખાસ વાત એ છે કે તેઓ શી જિનપિંગની અત્યંત નજીક ગણાતા હતા અને બંનેના પરિવાર વચ્ચે ક્રાંતિકારી યુગથી ગાઢ સંબંધો હતા. ૧૯૭૯માં વિયેતનામ સાથેના યુદ્ધનો લડાયક અનુભવ ધરાવતા ઝાંગે ચીનની આધુનિક સરહદી વ્યૂહરચનામાં પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિશેષરૂપે, ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચેના ગલવાન સંઘર્ષ અને સરહદી તણાવની ચરમસીમા દરમિયાન તેઓ એલએસી (LAC) પર ઓપરેશનલ સજ્જતા માટે સીધા જવાબદાર હતા. તેમના જ નિર્દેશ હેઠળ પીએલએ એ ઊંચાઈવાળા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરી અને લદ્દાખ તથા તિબેટમાં સરહદ પર ભારે સૈન્યીકરણ કર્યું હતું.

રાજકીય બેવફાઈ અને જૂથબંધીના આરોપોસર લેવાયું કડક પગલું

સત્તાવાર સૂચના અનુસાર, ઝાંગ અને લિયુ બંને પર "રાજકીય શિસ્ત અને નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા, ગુપ્ત જૂથો રચવા અને પક્ષ પ્રત્યે અપ્રમાણિક રહેવાના" ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. બેઇજિંગમાં જૂથબંધીના આ આરોપો ખૂબ જ વજનદાર માનવામાં આવે છે, કારણ કે તે સૂચવે છે કે ઝાંગે પાર્ટીની કેન્દ્રિયકૃત કમાન્ડ ચેઈનને પડકારવા માટે સક્ષમ વ્યક્તિગત પાવર નેટવર્ક ઊભું કર્યું હતું. આ ઉપરાંત તેમના પર મોટા પાયે લાંચના બદલામાં સૈન્ય પ્રમોશન અપાવવાના પણ આક્ષેપો થયા છે.

આ કાર્યવાહી સાથે જ ૨૦૨૨માં રચાયેલી સાત સભ્યોની સેન્ટ્રલ મિલિટરી કમિશનમાંથી હવે પાંચ મોટા ચહેરાઓને દૂર કરી દેવામાં આવ્યા છે, જેમાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન લી શાંગફુ અને હી વેઇડોંગ પણ સામેલ છે. આ ઐતિહાસિક સફાયા બાદ હવે મૂળ સાત સભ્યોની સંસ્થામાંથી માત્ર રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વાઈસ ચેરમેન ઝાંગ શેંગમિન જ સક્રિય સભ્યો તરીકે બાકી રહ્યા છે, જે શી જિનપિંગની સર્વોચ્ચ સત્તા અને કડક અંકુશની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.

(4:36 PM IST)