<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમેરિકામાં 'બિગફૂટ'નો આતંક: ઓહિયોના જંગલોમાં ૧૭ ઈંચના વિશાળ પગલાં અને ડરામણી ચીસોથી ગ્રામજનોમાં ફફડાટ, શું અડધી સદી પછી પરગ્રહવાસી જીવ પાછો આવ્યો?

૭ ફૂટ ઊંચો અને કાળા વાળ ધરાવતો રહસ્યમયી નરવાનર દેખાયાનો દાવો: એકલા નહીં પણ આખા પરિવાર સાથે 'સાસક્વેચ' શહેરો નજીક પહોંચ્યો, સંશોધકોએ રેકોર્ડ કરી વિચિત્ર ગર્જનાઓ

એક્રોન (ઓહિયો): અમેરિકાના ઓહિયો રાજ્યના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં અત્યારે ભય અને કુતૂહલનો માહોલ છે. છેલ્લા પચાસ વર્ષના મૌન બાદ, રહસ્યમયી જીવ 'બિગફૂટ' (જેને 'સાસક્વેચ' પણ કહેવામાં આવે છે) ફરી એકવાર દેખાયો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ વખતે આ રહસ્યમયી પ્રાણી એકલું નથી, પણ તેના પરિવાર સાથે માનવ વસ્તીની નજીક આવી ગયું છે.
૧૭ ઈંચના પગલાં અને ૭ ફૂટની ઊંચાઈ
એક્રોન અને યંગસ્ટાઉન વચ્ચેના પોર્ટેજ કાઉન્ટી વિસ્તારમાં અનેક લોકોએ વિશાળકાય પગલાંના નિશાન જોયા છે. આ પગલાં અંદાજે ૧૭ ઈંચ લાંબા છે, જે સૂચવે છે કે આ જીવની ઊંચાઈ ૭ થી ૧૦ ફૂટ જેટલી હોવી જોઈએ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ જીવ સંપૂર્ણપણે કાળા રંગના ગાઢ વાળથી ઢંકાયેલો છે અને તેની ચાલવાની શૈલી કોઈ પણ જાણીતા પ્રાણી કે મનુષ્ય કરતા અલગ છે.
ભયાનક ચીસોએ વૈજ્ઞાનિકોને પણ મૂક્યા મૂંઝવણમાં
'ઓહિયો નાઈટસ્ટોકર્સ બિગફૂટ રિસર્ચ ગ્રુપ'ના માઈક મિલરે આ વિસ્તારમાં કેટલીક ડરામણી ગર્જનાઓ અને ચીસો રેકોર્ડ કરી છે. મિલરનો દાવો છે કે આ અવાજ ઉત્તર અમેરિકાના કોઈ પણ જાણીતા પ્રાણી સાથે મેળ ખાતો નથી. સ્પેક્ટ્રોગ્રાફ ટેસ્ટમાં આ અવાજ આફ્રિકાના બબૂન વાનર કરતા પણ વધુ તીવ્ર જણાયો છે, જે આ રહસ્યમયી જીવની હાજરીનો મોટો પુરાવો માનવામાં આવે છે.
ભારે હિમવર્ષાને કારણે જંગલ છોડ્યું?
નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે પડેલી ભયંકર હિમવર્ષા અને પૂરે બિગફૂટના કુદરતી રહેઠાણને નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે તે ખોરાક અને આશ્રયની શોધમાં માનવ વસ્તી તરફ ધસી આવ્યો છે. અગાઉ ૧૯૭૮માં પણ જ્યારે ઓહિયોમાં રેકોર્ડબ્રેક બરફ પડ્યો હતો, ત્યારે આવી જ રીતે બિગફૂટ દેખાયાની અનેક ઘટનાઓ બની હતી.
'મેં જે જોયું તે અકલ્પનીય હતું'
એક હાઈકરે જણાવ્યું કે, "મેં મારી નજરે જે જોયું તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. તે પ્રાણી તેની ગરદન ફેરવવાને બદલે આખા ખભા ફેરવીને મારી તરફ જોઈ રહ્યું હતું." જોકે, આધુનિક સ્માર્ટફોન હોવા છતાં અત્યાર સુધી કોઈ તેની સ્પષ્ટ તસવીર ખેંચી શક્યું નથી, જે આ રહસ્યને વધુ ઘેરૂં બનાવે છે. શું આ ખરેખર કોઈ અજ્ઞાત જીવ છે કે માત્ર ભ્રમ, તે અત્યારે ઓહિયોમાં ચર્ચાનો સૌથી ગરમ વિષય છે.

(6:29 PM IST)