<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

EU માં એર પેસેન્જર્સની મોટી જીત: ૧૩ વર્ષની કાનૂની લડાઈ બાદ ફ્લાઇટ ડિલે, ફ્રી સીટ અને રિફંડના નિયમો બદલાયા; મુસાફરોને મળશે મોટો ફાયદો

યુરોપિયન સંસદે ફ્લાઇટમાં થતા વિલંબ, રદ્દીકરણ અને હિડન ચાર્જિસ સામે મુસાફરોના અધિકારોને મજબૂત કરતા નવા ઐતિહાસિક સુધારાને ૬૪૬-૧૨ની ભારે બહુમતીથી મંજૂરી આપી

બ્રસેલ્સ, તા.૦૭: એરલાઇન્સ કંપનીઓની મનમાની અને ફ્લાઇટ વિલંબથી પરેશાન થતા કરોડો હવાઈ મુસાફરો માટે ખૂબ જ રાહતજનક સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયન (EU)માં ૧૩ વર્ષ લાંબી કાનૂની અને રાજકીય ખેંચતાણ બાદ મુસાફરોના હિતમાં એક ક્રાંતિકારી ચુકાદો આપવામાં આવ્યો છે. યુરોપિયન સંસદે ૬૪૬ વિરુદ્ધ ૧૨ મતોથી આ નવા પેકેજને લીલી ઝંડી આપી દીધી છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને નાણાકીય નુકસાનથી બચાવવાનો, એરલાઇન્સની પારદર્શિતા વધારવાનો અને પ્રવાસને વધુ સરળ બનાવવાનો છે.

નવા નિયમો મુજબ, જો ફ્લાઇટ ૩ કલાક કે તેથી વધુ મોડી પડે અથવા પ્રસ્થાનના ૧૪ દિવસ પહેલાં રદ કરવામાં આવે, તો મુસાફરોને અંતરના આધારે €૨૫૦ થી €૬૦૦ (આશરે ₹૨૨,૦૦૦ થી ₹૫૩,૦૦૦) સુધીનું વળતર મળતું રહેશે. આ સિવાય, જો એરલાઇન મુસાફરને વિકલ્પ આપીને ૪ કલાકમાં જ પહોંચાડી દે, તો વળતરમાં ૫૦% ઘટાડો થઈ શકે છે. કુદરતી આપત્તિ કે હડતાળ જેવા અસાધારણ સંજોગોમાં એરલાઇન્સને આ વળતરમાંથી મુક્તિ મળશે, પરંતુ સામાન્ય વિલંબ માટે હવે કંપનીઓ બહાના બનાવી શકશે નહીં.

આ સુધારામાં ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકો અને દિવ્યાંગ મુસાફરો માટે મોટા નિર્ણયો લેવાયા છે. ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતાપિતાની બાજુમાં બેસવા માટે હવે એરલાઇન્સ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, જો કોઈ મુસાફરે આઉટબાઉન્ડ (જવાની) ફ્લાઇટ મિસ કરી હોય, તો પણ એરલાઇન તેમની રિટર્ન ફ્લાઇટ કેન્સલ કરી શકશે નહીં. નામમાં સ્પેલિંગની ભૂલ સુધારવી, ડિજિટલ કે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ મેળવવો અને નાની હેન્ડબેગ ફ્રી લઈ જવી હવે મુસાફરોનો મૂળભૂત અધિકાર બની ગયો છે.

એરલાઇન્સ માટે હવે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. મુસાફરીમાં વિક્ષેપ પડ્યાના ૪ દિવસમાં કંપનીઓએ દાવો કરવાની રીત દર્શાવવી પડશે અને ૩૦ દિવસની અંદર વળતર ચૂકવવું પડશે. લાંબા વિલંબ દરમિયાન દર બે કલાકે નાસ્તો અને રહેવાની વ્યવસ્થા પણ આપવી પડશે. યુરોપિયન કમિશને ૨૦૧૩માં આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને હવે કાઉન્સિલની આખરી મંજૂરી અને ગેઝેટ પ્રકાશિત થયાના ૧ વર્ષ બાદ પૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

(3:49 PM IST)