<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

બિજનૌર કોર્ટનો મોટો ચુકાદો : 4 વર્ષના માસૂમ દીકરાની પાવડો ફટકારી નિર્મમ હત્યા કરનારી કલયુગી માતાને કોર્ટે આજીવન કેદ

આરોપી મહિલાએ લોહીલુહાણ બાળકને સળગતા લાકડાઓમાં ફેંકી દીધો જેથી પુરાવાનો નાશ થાય:પતિ કપિલે જ્યારે આ કરતૂતનો વિરોધ કર્યો ત્યારે આદેશ દેવી પાવડો લઈને તેને પણ મારવા દોડી

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અદાલતે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવી દીધો છે. પોતાના જ 4 વર્ષના માસૂમ દીકરાની નિર્મમ હત્યા કરનારી કલયુગી માતા આદેશ દેવીને કોર્ટે આજીવન કેદ (ઉમ્રકેદ)ની સખત સજા ફટકારી છે. આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો.

ખાસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ (પોક્સો) લોકેશ નાગરની અદાલતે આરોપી માતાને હત્યા અને પુરાવાનો નાસ કરવાના ગુનામાં દોષિત જાહેર કરી છે. કોર્ટે મહિલા પર 60,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે, જેમાંથી 40,000 રૂપિયા પીડિત બાળકના પિતાને વળતર તરીકે આપવામાં આવશે.

આ કરુણ ઘટના 12 જૂન 2024ના રોજ હીમપુર દીપા પોલીસ સ્ટેશન વિસ્તારના જલાલપુર હસના ગામમાં બની હતી. સરકારી પક્ષના જણાવ્યા અનુસાર, જ્યારે બાળકનો પિતા કપિલ કુમાર ખેતરમાં કામ કરવા ગયો હતો, ત્યારે તેની પત્ની આદેશ દેવીએ પાછળથી પોતાના જ 4 વર્ષના દીકરા હર્ષ પર પાવડો લઈને તૂટી પડી હતી.

 

જ્યારે કપિલ ઘરે પાછો ફર્યો ત્યારે તેણે પત્નીને માસૂમ પર વાર કરતી જોઈ. એટલું જ નહીં, ગુના પર પડદો પાડવા માટે આરોપી મહિલાએ લોહીલુહાણ બાળકને સળગતા લાકડાઓમાં ફેંકી દીધો હતો જેથી પુરાવાનો નાશ થાય. કપિલે જ્યારે આ કરતૂતનો વિરોધ કર્યો, ત્યારે આદેશ દેવી પાવડો લઈને તેને પણ મારવા દોડી હતી. કપિલે પરિવારના અન્ય સભ્યોની મદદથી સળગતા લાકડા વચ્ચેથી બાળકને બહાર કાઢ્યો અને હોસ્પિટલ તરફ ભાગ્યો, પરંતુ ઘા એટલા ઊંડા હતા કે માસૂમ હર્ષે રસ્તામાં જ દમ તોડી દીધો.

કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે મહિલાની માનસિક સ્થિતિ ઠીક નથી અને તેને મગજની રીતે બીમાર છે. જોકે, અદાલતે સાક્ષીઓની જુબાની અને મજબૂત ફોરેન્સિક પુરાવાઓને આધારે આ દાવો સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ માન્યું કે આ એક ક્રૂર અને યોજનાબદ્ધ હત્યા હતી, જેના માટે તે કડક સજાને પાત્ર છે.

(10:24 PM IST)