<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

મહારાષ્ટ્ર યુસીસી પેનલમાં મોટો ભડકો: જસ્ટિસ ચવ્હાણના રાજીનામા બાદ વિવાદિત પૂર્વ IAS શત્રુઘ્ન સિંહને બનાવાયા વરિષ્ઠ સલાહકાર

બિનસત્તાવાર હાજરી સામે વાંધો ઉઠાવી પૂર્વ જજે પદ છોડ્યું, રાજ્ય સરકારે વિવાદ ઉકેલવા ૪૮ કલાકમાં જ સિંહને સમિતિમાં સત્તાવાર સ્થાન આપ્યું

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી સાત સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિમાં મોટો વિવાદ સામે આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સી. ચવ્હાણે કમિટીમાંથી અચાનક રાજીનામું આપી દેતાં રાજ્યના રાજકારણમાં અને ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. આ રાજીનામાના માત્ર ૪૮ કલાકની અંદર જ મહારાષ્ટ્ર સરકારે નિવૃત્ત આઈએએસ (IAS) અધિકારી શત્રુઘ્ન સિંહને કમિટીના 'સભ્ય અને વરિષ્ઠ સલાહકાર' તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

સમગ્ર વિવાદની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરે યોજાયેલી કમિટીની બીજી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન થઈ હતી. આ બેઠકમાં કોઈ પણ સત્તાવાર હોદ્દો ન ધરાવતા શત્રુઘ્ન સિંહ અચાનક હાજર રહ્યા હતા અને કમિટીની કામગીરીમાં નિર્દેશો આપવા લાગ્યા હતા. જસ્ટિસ ચવ્હાણે બેઠકના એજન્ડામાં બહારની વ્યક્તિની હાજરી અંગે અગાઉથી જાણ ન કરાઈ હોવાથી અને બિનસત્તાવાર હસ્તક્ષેપ સામે સખત વાંધો ઉઠાવીને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈએ સિંહને સલાહકાર તરીકે બેઠકમાં આમંત્રિત કર્યા હતા.

જસ્ટિસ ચવ્હાણના રાજીનામા બાદ ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા સરકારે ૨૧ સપ્ટેમ્બરે શત્રુઘ્ન સિંહની ભૂમિકાને 'મેમ્બર-કમ-સિનિયર એડવાઈઝર' તરીકે સત્તાવાર મંજૂરી આપી દીધી હતી. બીજી તરફ, યુસીસી અંગે સામાન્ય લોકોના અભિપ્રાય મેળવવા માટે લગભગ ત્રણ ડઝન પ્રશ્નો ધરાવતી એક પ્રશ્નાવલી અને વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પ્રશ્નાવલીમાં લોકો પોતાના વિચારો વિગતવાર રજૂ કરી શકે તેવા પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે.

(5:44 PM IST)