<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

IT સેક્ટરમાં મોટી ખળભળાટ: Cognizant દ્વારા 'પ્રોજેક્ટ લીપ' હેઠળ વૈશ્વિક સ્તરે 12,000થી 15,000 કર્મચારીઓની છટણીની તૈયારી : ભારતીય IT પ્રોફેશનલ્સ પર સૌથી મોટું જોખમ મંડરાયું

નાસ્ડેક લિસ્ટેડ IT દિગ્ગજ કંપનીએ સેવરન્સ ખર્ચ પેટે 230થી 320 મિલિયન ડોલરની જોગવાઈ : ભારતમાં 2.5 લાખથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીના AI-આધારિત 'બ્રોડર એન્ડ શોર્ટર પિરામિડ' મોડેલ તરફ વળવાથી મિડ-લેવલ એન્જિનિયરોની નોકરી જોખમમાં : છટણી બાદ પણ 20,000 ફ્રેશર્સની ભરતી કરશે

નવી દિલ્હી, તા. 6 : વૈશ્વિક IT સર્વિસ સેક્ટરમાં વધુ એક મોટી છટણીના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની નાસ્ડેક લિસ્ટેડ IT કંપની Cognizant Technology Solutions Corp. 'પ્રોજેક્ટ લીપ' નામના પુનર્ગઠન કાર્યક્રમ હેઠળ વૈશ્વિક સ્તરે 12,000થી 15,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ છટણીની સૌથી મોટી અસર ભારત પર પડવાની શક્યતા છે, કારણ કે કંપનીના કુલ 3.57 લાખ કર્મચારીઓમાંથી 2.50 લાખથી વધુ કર્મચારીઓ ભારતમાં જ કાર્યરત છે.

 

*230થી 320 મિલિયન ડોલરનો સેવરન્સ ખર્ચ*

Cognizantએ 29 એપ્રિલ 2026ના રોજ જાહેર કર્યું હતું કે 'પ્રોજેક્ટ લીપ' હેઠળ કંપનીને 230 મિલિયનથી 320 મિલિયન ડોલર - લગભગ રૂ. 1,900થી 2,650 કરોડનો સેવરન્સ અને કર્મચારી-સંબંધિત ખર્ચ થવાનો અંદાજ છે. જોકે કંપનીએ સત્તાવાર રીતે છટણીની સંખ્યા જાહેર કરી નથી. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, ભારતમાં સરેરાશ વાર્ષિક પગાર રૂ. 15 લાખ અને 6 મહિનાનું સેવરન્સ પેકેજ ગણતા, માત્ર ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓની છટણી થઈ શકે છે.

 

*AI અને ઓટોમેશનના કારણે 'પિરામિડ મોડેલ' બદલાયું*

આ છટણી પાછળ IT સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં આવેલો મોટો માળખાગત ફેરફાર જવાબદાર છે. ગ્રાહકો હવે પરંપરાગત 'પિરામિડ હેવી' સ્ટાફિંગ મોડેલથી દૂર જઈ રહ્યા છે અને ફ્રેશર્સની તાલીમ માટે ફંડ આપવા તૈયાર નથી. CEO રવિ કુમાર એસે જણાવ્યું કે કંપની હવે 'બ્રોડર એન્ડ શોર્ટર પિરામિડ' મોડેલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને હ્યુમન લેબરનું સંયોજન હશે. એટલે કે AI અને ઓટોમેશનથી થઈ શકતી કામગીરી માટે માનવ કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવશે.

 

 

મિડ-લેવલ કર્મચારીઓ સૌથી વધુ જોખમમાં

 

 

રિપોર્ટ્સ મુજબ આ છટણીની સૌથી વધુ અસર 6થી 12 વર્ષનો અનુભવ ધરાવતા મિડ-લેવલ એન્જિનિયરો પર પડશે, જેમની ભૂમિકા AI અને ઓટોમેશનથી બદલી શકાય તેમ છે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 2026માં 20,000થી વધુ ફ્રેશર્સની ભરતી કરવાનું ચાલુ રાખશે, જે દર્શાવે છે કે કંપની માત્ર કર્મચારી ઘટાડો નહીં, પરંતુ વર્કફોર્સનું પુનર્ગઠન કરી રહી છે. 

 

 

અગાઉ પણ થઈ હતી છટણી

 

 

ઉલ્લેખનીય છે કે Cognizantએ 2023-24માં 'નેક્સ્ટજેન' પ્રોગ્રામ હેઠળ લગભગ 3,500 નોકરીઓ કાપી હતી અને 11 મિલિયન સ્ક્વેર ફૂટ ઓફિસ સ્પેસ ખાલી કરી હતી. TCS દ્વારા પણ ગયા વર્ષે 12,000થી વધુ કર્મચારીઓની છટણી કરાઈ હતી.

 

Cognizantનો આ નિર્ણય IT ઉદ્યોગમાં ઓટોમેશન, AI અને માર્જિન ઓપ્ટિમાઈઝેશનના વધતા ટ્રેન્ડને દર્શાવે છે, જ્યાં કંપનીઓ પરંપરાગત હેડકાઉન્ટ ગ્રોથ કરતા ઉત્પાદકતા અને નફાકારકતા પર વધુ ભાર મૂકી રહી છે.

(2:48 PM IST)