<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં મોટો વળાંક: MP હાઈકોર્ટે દિલ્હી AIIMSમાં બીજા પોસ્ટમોર્ટમની મંજૂરી આપી, મોહન યાદવ સરકારે સોંપી CBI ને તપાસ

પ્રથમ ઓટોપ્સી રિપોર્ટ પર પરિવારે વ્યક્ત કરી હતી આશંકા; મુખ્યમંત્રીને મળ્યાના ૨૪ કલાકમાં એક્શન, ન્યાય માટે ત્વિષાના મૃતદેહને સાચવી રાખવા કોર્ટનો આદેશ

ભોપાલ, તા.૨૨: મધ્યપ્રદેશમાં ભારે ચર્ચા જગાવનારા હાઈપ્રોફાઈલ ‘ત્વિષા શર્મા મૃત્યુ કેસ’ (Tvisha Sharma Death Case) માં આજે બે મોટા અને નિર્ણાયક વળાંક આવ્યા છે. એક તરફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે પીડિત પરિવારની અરજી ગ્રાહ્ય રાખીને દિલ્હીની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં ત્વિષાના મૃતદેહનું ફરીથી (બીજું) પોસ્ટમોર્ટમ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે, તો બીજી તરફ રાજ્યની મોહન યાદવ સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને આ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી દીધી છે.
દિલ્હીના એઈમ્સના સ્પેશિયલ ડોક્ટરો કરશે તપાસ
જસ્ટિસ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીના નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ ટીમ દ્વારા નવેસરથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. ત્યાં સુધી ત્વિષા શર્માના મૃતદેહને સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવી રાખવા માટે પણ અધિકારીઓને કડક આદેશ અપાયા છે. જો કે, સુનાવણી દરમિયાન મૃતકના પતિ સમર્થ શર્માના વકીલ મૃગેન્દ્ર સિંહે દલીલ કરી હતી કે, આ રીતે બીજી વાર ઓટોપ્સીનો આદેશ આપવાથી રાજ્યના સ્થાનિક ડોક્ટરોની વિશ્વસનીયતા પર લોકોનો ભરોસો ઓછો થઈ શકે છે. પરંતુ રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ પ્રશાંત સિંહે કોર્ટને જણાવ્યું કે સરકારને સત્ય સામે લાવવા માટે આ બીજી ઓટોપ્સી સામે કોઈ વાંધો નથી.
મુખ્યમંત્રી સાથેની મુલાકાત રંગ લાવી, ૨૪ કલાકમાં CBI મંજૂરી
ત્વિષા શર્માના પરિવારે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે મૃત્યુના અસલી કારણો છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ન્યાયની આશા સાથે ગઈકાલે જ ત્વિષાના પરિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને ભાવુક થઈને પુત્રીના રહસ્યમય મોતની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. મુખ્યમંત્રીએ પરિવારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી, જેનો અમલ આજે જોવા મળ્યો હતો. પોલીસ મુખ્યાલયના પ્રસ્તાવને સ્વીકારીને મધ્યપ્રદેશના ગૃહ વિભાગે શુક્રવારે સાંજે જ સીબીઆઈ તપાસનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સ બનેલા આ કેસમાં હવે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી (CBI) અને એઈમ્સના ડોક્ટરોની એન્ટ્રી થતાં, ત્વિષાના મૃત્યુ પાછળ છુપાયેલું અસલી રહસ્ય ખૂબ જ ટૂંક સમયમાં બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

(5:01 PM IST)