<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અમેરિકા-ઈરાન યુદ્ધના 45મા દિવસે મોટો વળાંક : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો - ‘ઈરાન સમાધાન કરવા તૈયાર, મને ફોન આવ્યો હતો’ : સમજો અમેરિકા-ઈરાન યુદ્ધના 45મા દિવસની વૈશ્વિક પરિસ્થિતિ 10 પોઇન્ટમાં

નૌકાબંધી અને હુમલાની ધમકીઓ વચ્ચે ઈરાન નરમ પડ્યું? હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ : ઈઝરાયેલ-લેબનોનની 43 વર્ષ બાદ પ્રથમ બેઠક : વધતા ક્રૂડના ભાવે વિશ્વમાં મચાવી હલચલ

વોશિંગ્ટન:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 45મા દિવસે વિશ્વભરની નજર આ યુદ્ધ પર ટકેલી છે. એકતરફ અમેરિકાએ ઈરાનના બંદરો પર કડક નૌકાબંધી (Blockade) લાદી દીધી છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને સૌને ચોંકાવી દીધા છે. આ ગંભીર કટોકટી વચ્ચે અત્યારે 10 એવી મોટી ઘટનાઓ આકાર લઈ રહી છે જે યુદ્ધની દિશા બદલી શકે છે.

1. ટ્રમ્પનો દાવો: ઈરાન સાથે વાતચીતનો સંકેત:
આજના દિવસનો સૌથી મોટો ધડાકો કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો છે અને તેઓ ‘ડીલ’ કરવા ઈચ્છે છે. નૌકાબંધી અને હુમલાની ધમકીઓ બાદ ઈરાન વાટાઘાટોના ટેબલ પર આવવા તૈયાર હોવાનું જણાય છે. પાકિસ્તાને આગામી વાતચીત ઈસ્લામાબાદમાં યોજવા ઓફર કરી છે. આ સમાચાર બાદ શેરબજારમાં (S&P 500) મોટો ઉછાળો જોવા મળ્યો છે.

2. ઈરાની જહાજોને ‘ખતમ’ કરવાની ટ્રમ્પની ચેતવણી:
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપી હતી કે જો ઈરાની જહાજો અમેરિકાની નૌકાબંધી પાસે આવશે, તો તેમને તાત્કાલિક અસરથી ‘એલિમિનેટ’ (ખતમ) કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ શક્તિ નબળી પડી છે. આ ધમકીના ગણતરીના કલાકોમાં જ ઈરાન તરફથી ફોન આવ્યાનો દાવો કરાયો હતો.

3. તેહરાનમાં નૌકાબંધી સામે પ્રચંડ વિરોધ:
અમેરિકાની નૌકાબંધીના વિરોધમાં હજારો ઈરાની નાગરિકોએ તેહરાનની સડકો પર ઉતરી પ્રદર્શન કર્યું હતું. ઈરાને આ પગલાને ‘સમુદ્રી ચાંચિયાગીરી’ ગણાવી છે. ઈરાની સૈન્ય (IRGC) એ ચેતવણી આપી છે કે તેઓ યુદ્ધના એવા નવા સ્વરૂપો રજૂ કરશે જેનો સામનો કરવો દુશ્મનો માટે અશક્ય હશે.

4. યુરોપિયન દેશોએ અમેરિકાનો સાથ છોડ્યો:
બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ અમેરિકાની આ નૌકાબંધીમાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો છે, તેને બ્લોક કરવાનો નહીં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને અલગથી એક શાંતિ મિશન બનાવવાની જાહેરાત કરી છે.

5. ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 43 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત:
વોશિંગ્ટનમાં આજે ઈઝરાયેલ અને લેબનોનના રાજદૂતો વચ્ચે 1983 પછી પ્રથમ વખત સીધી વાતચીત યોજાશે. ઈઝરાયેલ હિઝબુલ્લાહના નિઃશસ્ત્રીકરણની માંગ કરી રહ્યું છે, જ્યારે લેબનોન યુદ્ધવિરામ ઈચ્છે છે. બીજી તરફ હિઝબુલ્લાહે આ વાટાઘાટોનો વિરોધ કર્યો છે.

6. ઈરાન દ્વારા હોર્મુઝમાં નવો નકશો જાહેર:
ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર માટે નવો નકશો રજૂ કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે મુખ્ય ટ્રાફિક ઝોનમાં દરિયાઈ સુરંગો (Mines) હોઈ શકે છે, તેથી જહાજોએ ઈરાની કિનારાની નજીકથી પસાર થવું પડશે. આ રીતે ઈરાન હવે આ માર્ગ પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે.

7. તુર્કીના એર્દોગનની ઈઝરાયેલને સૈન્ય કાર્યવાહીની ધમકી:
એક નવા વળાંકમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ઈઝરાયેલ સામે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. લેબનોનમાં ઈઝરાયેલની કામગીરીથી નારાજ એર્દોગનનું આ નિવેદન નાટો (NATO) અને અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યું છે.

8. ઉર્જા કટોકટી - ક્રૂડ ઓઈલના ભાવમાં 48%નો વધારો:
અમેરિકાના ઉર્જા સચિવે પુષ્ટિ કરી છે કે જ્યાં સુધી જહાજોની અવરજવર સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેલના ભાવ વધતા રહેશે. યુદ્ધ શરૂ થયા બાદ તેલના ભાવ પ્રતિ બેરલ $67 થી વધીને $99 સુધી પહોંચી ગયા છે.

9. યુએન સેક્રેટરી જનરલની શાંતિ માટે અપીલ:
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈરાનને તાત્કાલિક વાટાઘાટો શરૂ કરવા જણાવ્યું છે. યુદ્ધવિરામની મુદત આગામી 8 દિવસમાં એટલે કે 22 એપ્રિલે પૂરી થઈ રહી છે, જે બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.

10. યુદ્ધવિરામ માત્ર કાગળ પર?
ટેકનિકલી યુદ્ધવિરામ ચાલુ છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. એકતરફ અમેરિકાની નૌકાબંધી સક્રિય છે, બીજી તરફ હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર રોકેટ મારો કરી રહ્યું છે અને ઈઝરાયેલ લેબનોન પર બોમ્બમારો કરી રહ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર 22 એપ્રિલ પર છે.

(12:48 PM IST)