<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મરાઠા અનામત આંદોલનમાં મોટો વળાંક: વિદેશથી આવેલો એક વીસી કોલ અને ૩.૫ કલાકની ગુપ્ત વાટાઘાટો બાદ મનોજ જરાંગેના ૨૦ દિવસના ઉપવાસનો અંત!

પેરિસથી મંત્રી ઉદય સામંતે ફડણવીસ, શિંદે અને જરાંગેના સાથીઓ વચ્ચે સાત રાઉન્ડની બેઠક યોજી મુકાબલો ટાળ્યો: માંગણીઓ નહીં સંતોષાય તો ૩ મહિનામાં મુંબઈ ઘેરવાની ચેતવણી

મુંબઈ, તા.૧૭: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલે બીડ જિલ્લાના પટોડા ખાતે પોતાના ૨૦ દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. જોકે, આ ઉપવાસ સહેલાઈથી પૂરો થયો નથી; તેની પાછળ પડદા પાછળ ચાલેલું ભારે રાજકીય હાઈડ્રામા અને પરદેશથી આયોજિત કરાયેલું ગુપ્ત ડિપ્લોમસી મિશન જવાબદાર છે. મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ દરમિયાન મુંબઈ તરફની પ્રસ્તાવિત આંદોલન કૂચને ટાળવા માટે અડધી રાત્રે ખેલ ખેલ્યો હતો, જે અંતર્ગત સતત સાડા ત્રણ કલાક સુધી ચાલેલી મેરાથોન બેઠક બાદ આ તણાવપૂર્ણ સ્થિતિ સુલઝાવી શકાઈ છે.

 

આ સમગ્ર વાતચીતના મુખ્ય સુત્રધાર મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંત બન્યા હતા. હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ પરિષદમાં ભાગ લેવા પેરિસ ગયેલા ઉદય સામંતે ત્યાંથી જ મધ્યસ્થતા કરી હતી અને સાત તબક્કામાં બેઠકો યોજી હતી. અંતિમ રાઉન્ડમાં પેરિસથી કરાયેલા એક નિર્ણાયક વીડિયો કોન્ફરન્સ (VC) કોલમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલ, ભાજપ નેતા પ્રસાદ લાડ અને જરાંગેના નજીકના સહયોગીઓ જોડાયા હતા. આ ગુપ્ત વાટાઘાટોમાં સરકારે હૈદરાબાદ, સતારા અને ઔંધ ગેઝેટિયર આધારિત મરાઠા-કુંબી વંશાવળીના રેકોર્ડ્સને માન્યતા આપવા સહિતની અન્ય પડતર માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જરાંગેના આ નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે સરકારે આંદોલનકારીઓની ૧૩ માંથી ૧૨ માંગણીઓ સ્વીકારી લીધી છે અને તે પૂરી કરવા માટે વચનબદ્ધ છે. સરકારી પ્રતિનિધિમંડળના હાથે પારણાં કર્યા બાદ મનોજ જરાંગેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ મહિનામાં તેમની તમામ માંગણીઓ પર અમલ નહીં થાય, તો તેઓ પોતાના હજારો સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરશે. હાલ પૂરતો મુંબઈ પર તોળાતો આંદોલનનો મોટો ખતરો ટળી ગયો છે અને વહીવટીતંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

(5:08 PM IST)