<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

મહાકાલ નગરી ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના: હોટેલના વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરતાં ૪ કર્મચારીના ગૂંગળામણથી કમકમાટીભર્યા મોત

સાફ-સફાઈ વેળાએ ઝેરી વાયુની ઝપેટમાં આવતા કરૂણાંતિકા, બચાવવા ગયેલા અન્ય કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

ઉજ્જૈન:મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર દુર્ઘટના સામે આવી છે, જ્યાં દેવાસ રોડ પર આવેલી 'હોટેલ શ્રીગંગા'ના વેસ્ટેજ ચેમ્બરમાં સાફ-સફાઈ કરવા ઉતરેલા ૪ કર્મચારીઓના ઝેરી ગેસની ગૂંગળામણના કારણે કરૂણ મોત નીપજ્યા છે. શનિવારે મોડી રાત્રે ઘટેલી આ દુર્ઘટનામાં સાથી કર્મચારીઓને બચાવવા ગયેલા અન્ય કેટલાક કર્મચારીઓ પણ વિષકારી વાયુની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હોટેલના જમણી બાજુ આવેલા વેસ્ટેજ ચેમ્બરમાં મીઠાઈ, ડેરી ઉત્પાદનો તેમજ ચાસણી, ઘી-તેલ અને એંઠા પાણીનો કચરો નાખવામાં આવતો હતો. આ કચરાના કારણે ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં શનિવારે રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે હોટેલના કેટલાક કર્મચારીઓ ટાંકી સાફ કરવા માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ચેમ્બરમાં જમા થયેલા અતિ ઝેરી ગેસના કારણે કર્મચારીઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા, જ્યારે અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમને બચાવવા માટે ઉતરેલા અન્ય કર્મચારીઓ પણ ઝેરી ગેસની લપેટમાં આવી ગયા હતા.

બનાવની જાણ થતાં જ ઉજ્જૈનના જિલ્લા પોલીસ વડા (SP) પ્રદીપ શર્મા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચેમ્બરમાંથી કર્મચારીઓને બહાર કાઢવાનું ભારે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે જ ચારેય કર્મચારીઓના મોત થયા હોવાનું ખુુલવા પામ્યું છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર ઉજ્જૈન શહેરમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદાકીય તપાસ લંબાવી છે. ખાસ કરીને હોટેલ સંચાલકો દ્વારા યોગ્ય સુરક્ષાના સાધનો વગર જ કર્મચારીઓને જોખમી ચેમ્બરમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ ન જાય તે માટે સુરક્ષા નિયમોના ભંગ બદલ હોટેલ તંત્ર સામે કડક કાર્યવાહી અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવાની દિશામાં આગળના પગલાં લેવામાં આવશે.

(11:01 AM IST)