News of Saturday, 19th September 2026
કુપવાડામાં LoC નજીક સુરક્ષા દળો અને પોલીસની મોટી સફળતા: ખડક નીચે છુપાવેલો ઘાતક શસ્ત્રોનો જથ્થો અને IED ઝડપાયા, મોટું આતંકી કાવતરું નિષ્ફળ
સરહદ પારથી ઘૂસાડવામાં આવ્યો હતો હથિયારો અને દારૂગોળાનો જથ્થો: સેનાના સતર્ક ઓપરેશનથી કાશ્મીરમાં શાંતિ ડહોળવાના નાપાક ઈરાદાઓ પર ફટકાયું પાણી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉત્તર કાશ્મીર સ્થિત કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા સુદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા એક સઘન સર્ચ ઓપરેશન દરમિયાન ખડક નીચે છુપાવીને રાખવામાં આવેલો શસ્ત્રો અને દારૂગોળાનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખીણમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓનું એક મોટું અને ખતરનાક કાવતરું સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું છે.
ગુપ્તચાસૂત્રો તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સેના અને પોલીસે સુદપોરા ગામની આગળ LoCની અત્યંત નજીક આવેલા એક પહાડી વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ખડક નીચે શંકાસ્પદ વસ્તુઓ છુપાવવામાં આવી હોવાનું જણાયું હતું. સુરક્ષા દળોએ સાવચેતીપૂર્વક આ જગ્યાની તપાસ કરતા ત્યાંથી સરહદ પારથી ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને લાવવામાં આવેલી યુદ્ધ સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલી સામગ્રીમાં ઘાતક IED અને કારતૂસોનો સમાવેશ
સુરક્ષા દળો દ્વારા જપ્ત કરાયેલા આ જથ્થાઓમાં મુખ્યત્વે ૩ RPC રાઉન્ડ, ૧૫ Pika MG રાઉન્ડ, ૧૧ AK રાઉન્ડ, ૬ APG બૂસ્ટર, દવાની બે સ્ટ્રીપ્સ અને એક ઘાતક IED (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ)નો સમાવેશ થાય છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસના આધારે પુષ્ટિ કરી છે કે આ તમામ હથિયારો અને વિસ્ફોટકો તાજેતરમાં જ LoC પારથી ભારતીય સરહદમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યા હતા, જેથી કાશ્મીર ઘીણમાં ફરીથી હિંસા અને અશાંતિ ફેલાવી શકાય.
આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા સુદપોરા અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા શંકાસ્પદ તત્વોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેનાની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી આતંકવાદીઓની નાપાક યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે અને સુરક્ષા દળો સમગ્ર સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ પર છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
