<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

મુંબઈ પોલીસને મોટી સફળતા :નકલી APK ફાઇલો બનાવી સાયબર અપરાધીઓને વેચનાર મુખ્ય આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ

આરોપી મૂળ ઝારખંડના ગિરિડીહનો રહેવાસી :આરોપીએ અત્યાર સુધીમાં કુલ 92 નકલી APK ફાઇલો સાયબર ઠગોને વેચી

મુંબઈ પોલીસની ડીબી માર્ગ પોલીસ સ્ટેશનની ટીમે સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નકલી APK ફાઇલો બનાવીને સાયબર અપરાધીઓને વેચનાર એક મુખ્ય આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. આ આરોપી મૂળ ઝારખંડના ગિરિડીહનો રહેવાસી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અત્યાર સુધીમાં કુલ 92 નકલી APK ફાઇલો સાયબર ઠગોને વેચી ચૂક્યો હતો. આ સિવાય તેણે અન્ય 967 APK ફાઇલો બનાવીને અગાઉથી જ તૈયાર રાખી હતી. આ ફાઇલો એટલી ખતરનાક હતી કે તેના માધ્યમથી દેશભરમાં કુલ 63 કરોડ રૂપિયાની મસમોટી સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ ફાઇલોને લઈને આશરે 2,993 જેટલી સત્તાવાર ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાંથી એકલા મહારાષ્ટ્ર અને મુંબઈમાંથી જ 512 જેટલા ગંભીર કેસો સામે આવ્યા છે.

પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી આશરે 37,200 જેટલા નિર્દોષ નાગરિકોનો અત્યંત સંવેદનશીલ બેંકિંગ ડેટા પણ જપ્ત કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ઠગ એક APK ફાઈલના બદલામાં સાયબર અપરાધીઓ પાસેથી 15 થી 20 હજાર રૂપિયા વસૂલતો હતો અને ખરીદનારને તે ફાઈલનું સંપૂર્ણ કંટ્રોલ સોંપતો હતો. આ દરેક નકલી APK ફાઈલની વેલિડિટી સામાન્ય રીતે 40 થી 45 દિવસ સુધીની રહેતી હતી, જેના દ્વારા લોકોના ખાતા ખાલી કરવામાં આવતા હતા.

સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોને પોતાના નિશાન બનાવવા માટે ગેસ બિલ અપડેટ કરવા, આરટીઓ ચલાન ભરવા અથવા અન્ય આકર્ષક અને લાલચામંત્રી ફ્રોડ મેસેજ મોકલતા હતા. આ નકલી લિંક પર જેવું કોઈ વ્યક્તિ ક્લિક કરતો, તું જ તેના સ્માર્ટફોન અને બેંકિંગ સંબંધિત તમામ ગોપનીય માહિતી સાયબર ઠગોના હાથમાં જતી રહેતી હતી અને બેંક ખાતામાંથી સેકન્ડોમાં રકમ ઉપાડી લેવામાં આવતી હતી. હાલ મુંબઈ પોલીસે આ કેસમાં પશ્ચિમ બંગાળથી આરોપીને ઝડપી પાડ્યો છે અને હવે તે તમામ સાયબર ઠગોની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે જેમણે આ આરોપી પાસેથી આ નકલી APK ફાઇલો ખરીદી હતી.

(11:26 PM IST)