<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ વિભાગને મોટી સફળતા :દુબઈથી આવેલ મુસાફરો પાસેથી ₹1.8 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કર્યો

દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટ EK-502 માં આવેલા બે મુસાફરો પાસેથી ₹84.37 લાખની કિંમતના લેપટોપ, મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, કોસ્મેટિક્સ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે 1 અને 2 મે 2026 દરમિયાન દાણચોરી વિરુદ્ધ એક સઘન અભિયાન ચલાવીને ₹1.8 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કર્યો છે. દુબઈથી આવતા મુસાફરોની શંકાસ્પદ હરકતના આધારે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ચેકિંગ કરતા કરોડોનું સોનું સહિત મોંઘા ઈલેક્ટ્રોનિક્સ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

મુંબઈ કસ્ટમ્સ ઝોન-IIIના અધિકારીઓએ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટ EK-502 માં આવેલા બે મુસાફરો પાસેથી ₹84.37 લાખની કિંમતના લેપટોપ, મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, કોસ્મેટિક્સ અને સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ મુસાફરોએ ટેક્સ બચાવવા માટે આ સામાન છુપાવ્યો હતો. આ ઉપરાંત, એક અન્ય ચોંકાવનારી ઘટનામાં વિમાનની સઘન તપાસ એટલે કે 'રમેજિંગ' દરમિયાન પાછળના ભાગમાં આવેલા શૌચાલયના કોમોડમાંથી બ્રાઉન ટેપમાં લપેટેલા આઠ પેકેટો મળી આવ્યા હતા. દાણચોરોએ અત્યંત ગુપ્ત રીતે આ સામાન વિમાનમાં છુપાવ્યો હતો, જે કસ્ટમ્સની બાજ નજરે શોધી કાઢ્યો છે.

 

બીજી તરફ, સ્પાઈસ જેટની ફ્લાઈટ OSG-5114 દ્વારા દુબઈથી આવેલા એક મુસાફરની તપાસ કરતા તેની પાસેથી 695 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. આ સોનાની બજાર કિંમત અંદાજે ₹95.32 લાખ જેટલી થાય છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આ મુસાફરની  ધરપકડ કરાઈ છે. અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ ગોલ્ડ સ્મગલિંગ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ. આ કાર્યવાહીને કારણે એરપોર્ટ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તમામ માલસામાન જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

 

(7:54 PM IST)