તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
આતંકવાદ સામે મોટી સફળતા: પહલગામ હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ
NIA દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્કનો પર્દાફાશ: ૧૬ વર્ષથી ફરાર અબ્દુલ્લાની ધરપકડ બાદ એજન્સીએ સૈફુલ્લાહ સામે કાનૂની શિકંજો કસ્યો

શ્રીનગર, તા.૧૭: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલા સહિત દેશભરમાં અનેક રક્તપાત અને આતંકી ઘટનાઓને અંજામ આપનારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ના મોસ્ટ વોન્ટેડ કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ ભારતીય તપાસ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીનગરની વિશેષ કોર્ટે આતંકી સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) ઇસ્યુ કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પાકિસ્તાનમાંથી સંચાલિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ આ મહત્વપૂર્ણ કાનૂની વિજય મળ્યો છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ કેસની કડી માર્ચ મહિનામાં શ્રીનગરના પાંડાચ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડથી શરૂ થઈ હતી. તે બાદ હાથ ધરાયેલી ઊંડી તપાસમાં અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરાના નેતૃત્વ હેઠળના સમગ્ર આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. અબ્દુલ્લા છેલ્લા ૧૬ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતો અને તેણે જમ્મુ-કાશ્મીર બહાર પોતાના ગુપ્ત અડ્ડા બનાવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં અબ્દુલ્લાની તેના પાકિસ્તાની સાથીદાર ઉસ્માન ઉર્ફે ખુબૈબ અને ત્રણ સ્થાનિક મદદગારો સાથે ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી સૈફુલ્લાહના કાળા કારનામાઓનો ખુલાસો થયો હતો.
પાકિસ્તાનના કસુર જિલ્લાના ચાંગા મંગા ગામનો નિવાસી સૈફુલ્લાહ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તે ભારતીય એજન્સીઓને ગુમરાહ કરવા માટે સાજિદ જટ્ટ, અલી ભાઈ, હબીબુલ્લાહ મલિક, લંગડા, નુમી અને નુમાન જેવા અસંખ્ય બનાવટી નામોનો ઉપયોગ કરતો આવ્યો છે. એજન્સીઓ હવે આ બિનજામીનપાત્ર વોરંટના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે સૈફુલ્લાહ સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
