તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
ગણેશ ઉત્સવ પહેલા મોટું પગલું : નાગપુર-પનવેલમાં DJ, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, બીમ લાઇટ્સ અને લેસર લાઇટ્સના ઉપયોગ પર પ્રતિબંધ
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી ભીડ વ્યવસ્થાપન, અવાજ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ તકેદારી

નાગપુર :આગામી ગણેશોત્સવ અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાગપુર અને પનવેલમાં ધ્વનિ તથા પ્રકાશ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. નાગપુર પોલીસે DJ, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, બીમ લાઇટ્સ અને લેસર લાઇટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો છે. નાગપુરમાં આ પ્રતિબંધ 3 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 1 નવેમ્બરની મધ્યરાત્રિ સુધી અમલમાં રહેશે. તહેવારો દરમિયાન મોટા અવાજથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને થતી મુશ્કેલી તેમજ તીવ્ર લાઇટ્સના કારણે સર્જાઈ શકતા જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન DJ અને ડોલ્બી સિસ્ટમના અતિશય અવાજને કારણે ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે મોટા અવાજથી અસુવિધા અને પરેશાની સર્જાઈ શકે છે. આ ઉપરાંત બીમ લાઇટ્સ અને લેસર લાઇટ્સના ઉપયોગને લઈને પણ પોલીસે ચિંતા વ્યક્ત કરી છે. તીવ્ર લેસર લાઇટ સીધી અથવા પરોક્ષ રીતે આંખો પર પડે તો દૃષ્ટિ સંબંધિત નુકસાનનું જોખમ ઊભું થઈ શકે છે. આ કારણોસર ગણેશોત્સવ સહિતના તહેવારોમાં આવી લાઇટ્સના ઉપયોગને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસે તીવ્ર બીમ અને લેસર લાઇટ્સના અન્ય એક જોખમ તરફ પણ ધ્યાન દોર્યું છે. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોની આંખો પર અચાનક તીવ્ર પ્રકાશ પડવાથી તેઓ ક્ષણિક રીતે દૃશ્યતા ગુમાવી શકે છે અથવા વાહન પરનો કાબૂ ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં અકસ્માત સર્જાવાની સંભાવના વધી શકે છે. તેથી તહેવારો દરમિયાન રસ્તા અને જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થામાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. DJ, ડોલ્બી અને લેસર લાઇટ્સ પરનો પ્રતિબંધ તહેવારોની ઉજવણીને અટકાવવા માટે નહીં, પરંતુ જાહેર સલામતી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને લેવાયેલો પગલું હોવાનું પોલીસના નિર્દેશોમાંથી સ્પષ્ટ થાય છે.
પનવેલમાં પણ ગણેશોત્સવ મંડળોના પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠક દરમિયાન DJ, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ અને લેસર લાઇટ્સના ઉપયોગ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ગણેશજીના દર્શન માટે ભક્તોની ભીડને વ્યવસ્થિત રાખવા પુરુષ અને મહિલા ભક્તો માટે અલગ-અલગ કતારો રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી ભીડ વ્યવસ્થાપન, અવાજ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે તહેવારો દરમિયાન ગણેશ મંડળો અને આયોજકો માટે આ નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ રહેશે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
