તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
મમતા બેનર્જીને મોટો આંચકો: TMCના વધુ ૧૨ બેંક ખાતા સીઝ : ₹૧૦૦૦ કરોડથી વધુનું ફંડ ફ્રીઝ થતાં ખળભળાટ!
કોલકાતા હાઈકોર્ટ તરફથી દૈનિક ખર્ચ માટે મળેલી આંશિક રાહત બાદ સાયબર પોલીસ અને EDનો ડબલ એટેક: કથિત મની લોન્ડરિંગના આરોપમાં તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ પૂછપરછના રડારમાં

કોલકાતા: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. કલકત્તા હાઈકોર્ટ તરફથી પક્ષના રોજિંદા ખર્ચના સંચાલન માટે વિશેષ અધિકારીની નિમણૂક સાથે મળેલી આંશિક રાહત હજુ માંડ શ્વાસ લેવા દે, ત્યાં જ બિધાનનગર સાયબર પોલીસે એક મોટો આંચકો આપ્યો છે. પોલીસે વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં રહેલા પક્ષના વધુ ૧૨ બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ (સીઝ) કરવાનો આદેશ જારી કર્યો છે. પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની સંયુક્ત તપાસના આધારે બંને તબક્કામાં ફ્રીઝ કરાયેલા ખાતાઓમાં કુલ ₹૧૦૦૦ કરોડથી વધુની જંગી રકમ અટવાઈ પડી છે, જેને કારણે પક્ષના ફંડિંગ પર મોટો બ્રેક વાગી ગયો છે.
આ આખી કાનૂની કાર્યવાહી તૃણમૂલ કોંગ્રેસના જ બળવાખોર ધારાસભ્ય વિશ્વનાથ દાસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની તપાસને પગલે શરૂ થઈ છે. બિધાનનગર સાયબર પોલીસે આ કેસના સંદર્ભમાં ઋતબ્રત બેનર્જી કેમ્પના સાતથી વધુ ધારાસભ્યોના સત્તાવાર નિવેદનો નોંધીને પક્ષના ખાતાઓમાં થયેલા શંકાસ્પદ અને કથિત ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોની તપાસ તેજ કરી છે. શરૂઆતમાં પોલીસે જે ત્રણ ખાતા ફ્રીઝ કર્યા હતા, તેના ટ્રાન્ઝેક્શનના લિંક્સના આધારે જ હવે અન્ય ૧૨ ખાતાઓ પર પણ તાળા મારી દેવામાં આવ્યા છે. આ કથિત નાણાકીય ગેરરીતિઓમાં હવે ED પણ કૂદી પડી હોવાથી આ મામલો સંપૂર્ણપણે મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ આવી ગયો છે, જેનાથી તૃણમૂલ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આ કરોડો રૂપિયાના બેંક બેલેન્સ અને ફંડિંગ કૌભાંડમાં પક્ષના ચાર કદાવર નેતાઓ સીધા તપાસ એજન્સીના રડારમાં આવી ગયા છે. EDના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમાંથી એક ખાતામાં પક્ષના બે વર્તમાન સાંસદો ઓથોરાઈઝ્ડ સાઈનિંગ ઓથોરિટી (અધિકૃત સહી કરનાર) છે, જ્યારે અન્ય બે ખાતાઓ પર એક પૂર્વ સાંસદ અને એક પૂર્વ મંત્રીની સહીઓ ચાલે છે. તપાસ એજન્સી આ ચારેય હાઈપ્રોફાઈલ નેતાઓને ટૂંક સમયમાં જ પૂછપરછ માટે સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ, મમતા બેનર્જી જૂથે આ આકરી કાર્યવાહી સામે ફરી એકવાર એડવોકેટ કિશોર દત્તા મારફતે કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયાધીશ કૃષ્ણ રાવની કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે, જેની આગામી સોમવારે સુનાવણી થવાની પૂરેપૂરી સંભાવના છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
