તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
આઈટી ક્ષેત્રે મોટો આંચકો: ક્વોલકોમ ભારતમાં ૧,૦૦૦થી વધુ કર્મચારીઓની કરશે છટણી, વરિષ્ઠ એન્જિનિયરોની નોકરી જોખમમાં
કેનવા અને માઈક્રોસોફ્ટ બાદ હવે ટેક જાયન્ટ ક્વોલકોમે હાથ ધરી વૈશ્વિક છટણી, બેંગલુરુ ઓફિસથી પ્રથમ રાઉન્ડની શરૂઆત

બેંગલુરુ : કેનવા અને માઇક્રોસોફ્ટ જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓ બાદ હવે યુએસ સ્થિત પ્રખ્યાત ચિપ ઉત્પાદક કંપની ક્વોલકોમે પણ મોટો આંચકો આપ્યો છે. કંપની દ્વારા હાથ ધરાયેલા વૈશ્વિક પુનર્ગઠન અને છટણીના ભાગરૂપે ભારતમાં ૧,૦૦૦ થી પણ વધુ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. સોમવારથી ક્વોલકોમની બેંગલુરુ ઓફિસમાં છટણીનો પ્રથમ તબક્કો સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
કંપનીના આ કડક નિર્ણયના કારણે વરિષ્ઠ ઇજનેરોથી લઈને નવા ભરતી કરાયેલા એન્જિનિયરો સુધીના તમામ કર્મચારીઓની નોકરીઓ પર જોખમ મંડરાઈ રહ્યું છે. કર્મચારીઓનો આરોપ છે કે તેમને પ્રદર્શન અંગે અગાઉથી કોઈ ફીડબેક કે ચેતવણી આપ્યા વિના જ અચાનક નોકરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કંપની પ્રશાસને આ છટણીને કામગીરી આધારિત (પર્ફોર્મન્સ બેઝ્ડ) ગણાવીને પોતાનો બચાવ કર્યો છે.
આ છટણી અંગે ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોને ઓક્ટોબરમાં સત્તાવાર ઇમેઇલ દ્વારા માહિતી આપી હતી કે કંપની તેના વૈશ્વિક કાર્યબળમાંથી કુલ ૭% કર્મચારીઓને મુક્ત કરશે. નોકરી ગુમાવનાર કર્મચારીઓને સંભાળવા માટે કંપનીએ ત્રણ મહિનાના પગારનું સેવરેન્સ પેકેજ જાહેર કર્યું છે, તેમજ જે કર્મચારીઓ ત્રણ દિવસની અંદર રિલીવિંગ દસ્તાવેજો પર સહી કરશે તેમને વધારાના એક મહિનાનો પગાર ચૂકવવાની ઓફર મૂકવામાં આવી છે.
વ્યવસાયિક પડકારો, સ્માર્ટફોન ચિપ્સની ધીમી માંગ અને વધતા મેમરી ભાવના કારણે કંપનીની આવકનો અંદાજ બજારની અપેક્ષાઓ કરતા ઓછો રહ્યો છે, જેના પગલે આ પગલું ભરવાની ફરજ પડી છે. ભારતમાં આ છટણી પ્રક્રિયા આગામી સમયમાં વિવિધ તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે, જેના કારણે આઈટી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
