News of Tuesday, 8th September 2026
અમેરિકન ડ્રીમ પૂરું કરવા ઇચ્છતા ભારતીયોને મોટો આંચકો: સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલાં જ EB-1 ગ્રીન કાર્ડનો ક્વોટા ખાલી થઈ જવાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી!
ઉચ્ચ ડિગ્રીધારકો માટેની EB-2 કેટેગરી પહેલાથી જ ફ્રીઝ ('U' સ્ટેટસ) થઈ ગઈ છે, જ્યારે EB-3 માં ૧૨ વર્ષ લાંબુ વેટિંગ; હવે EB-1 શ્રેણી પણ બંધ થવાના આરે આવતાં હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકો અને સંશોધકોની ચિંતા વધી.

વોશિંગ્ટન, તા. ૦૯: અમેરિકામાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને તજજ્ઞો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી વિદેશ વિભાગે તેના તાજેતરના વિઝા બુલેટિનમાં એક ગંભીર ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે, ૩૦ સપ્ટેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ ભારતીય અરજદારો માટે રોજગાર આધારિત પ્રથમ પ્રાથમિકતા શ્રેણી એટલે કે 'EB-1' ના ગ્રીન કાર્ડનો વાર્ષિક ક્વોટા સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે. ભારતીય અરજદારો તરફથી આવેલી ભારે માંગ અને વિઝા નંબરોના ઝડપી વપરાશને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેનાથી અમેરિકામાં સ્થાયી થવા માંગતા અસાધારણ પ્રતિભાશાળી ભારતીયો સમક્ષ મોટી અનિશ્ચિતતા ઊભી થઈ છે.
EB-1 કેટેગરી ખાસ કરીને વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય અથવા રમતગમત ક્ષેત્રે અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ, ઉત્કૃષ્ટ પ્રોફેસરો, સંશોધકો તેમજ મલ્ટીનેશનલ કંપનીઓના સીનિયર એક્ઝિક્યુટિવ્સ માટે અનામત રાખવામાં આવે છે. વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, જો નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં ભારત માટે નિર્ધારિત ક્વોટાની મર્યાદા પૂરી થઈ જશે તો આગામી સપ્તાહોમાં આ શ્રેણીને સત્તાવાર રીતે 'અનુપલબ્ધ' (Unavailable) જાહેર કરી દેવામાં આવશે. આ ચેતવણીથી પહેલાથી જ લાંબા સમયથી બેકલોગનો સામનો કરી રહેલા ટેકનોક્રેટ્સ અને રિસર્ચર્સના જીવ અધ્ધર થઈ ગયા છે.
ભારતીય અરજદારો માટે સ્થિતિ એટલા માટે પણ વધુ ગંભીર બની છે કારણ કે રોજગાર આધારિત અન્ય તમામ મહત્વની કેટેગરીઓ પહેલેથી જ અભૂતપૂર્વ દબાણ હેઠળ છે. માસ્ટર ડિગ્રી અને વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો માટેની EB-2 શ્રેણીને સપ્ટેમ્બરના બુલેટિનમાં પહેલેથી જ 'U' (અનુપલબ્ધ) દર્શાવવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે હાલમાં આ કેટેગરી હેઠળ નવા કોઈ વિઝા જારી કરી શકાશે નહીં. આ ઉપરાંત, સ્કિલ વર્કર્સ માટેની EB-3 શ્રેણીમાં સ્થિતિ વધુ કપરી છે, જ્યાં ભારતીયો માટેનો વેઇટિંગ પીરિયડ લગભગ ૧૨ વર્ષ પાછળ ચાલી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિને કારણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
