<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

વૈશ્વિક તેલ બજારમાં મોટો આંચકો: OPEC+ નવેમ્બરમાં ઉત્પાદન નહીં વધારે : દૈનિક ૨૦ લાખ બેરલનો કાપ યથાવત રહેશે

મધ્ય પૂર્વમાં સળગતા યુદ્ધ અને ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલ પુરવઠા પર કટોકટી ઘેરી બની : ઓપેક પ્લસ દેશોએ પ્રોડક્શન ક્વોટા સ્થગિત રાખતાં ભવિષ્યમાં ઈંધણના ભાવ ભડકે બળવાની આશંકા

નવી દિલ્હી :  વૈશ્વિક ઊર્જા બજાર અને ક્રૂડ ઓઇલના પુરવઠાને લઈને એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા ભારે તણાવ અને યુએસ-ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે તેલ નિકાસકાર દેશોના સંગઠન 'OPEC+' એ નવેમ્બર મહિનામાં પોતાના તેલ ઉત્પાદન ક્વોટામાં કોઈ જ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે યોજાનારી બેઠક પહેલાં જ જૂથ તરફથી સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે દૈનિક ૨૦ લાખ (૨ મિલિયન) બેરલનો મોટો ઉત્પાદન કાપ યથાવત રાખવામાં આવશે. ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઇલની નિકાસમાં સામાન્ય સમયની સરખામણીએ ૬૦ થી ૮૦ ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણ પુરવઠા પર ગંભીર આંચકો લાગ્યો છે.

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને રાજકીય અસ્થિરતાના કારણે ઓપેક પ્લસના સાત મુખ્ય ઉત્પાદક દેશો—સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, અલ્જેરિયા, કઝાકિસ્તાન અને ઓમાન—પોતાની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણું ઓછું ક્રૂડ ઓઇલ બહાર કાઢી રહ્યા છે. ઓપેકના સત્તાવાર આંકડા અનુસાર, આ દેશોનું વર્તમાન ઉત્પાદન યુદ્ધની શરૂઆત પહેલાના સ્તર કરતાં દરરોજ અંદાજે ૫૦ લાખ બેરલ જેટલું ઓછું છે. જોકે સંગઠને અગાઉ વર્ષ ૨૦૨૬ સુધીમાં ધીમે ધીમે ઉત્પાદન વધારીને પુરવઠો પૂર્વવત કરવાની યોજના બનાવી હતી, પરંતુ ખાડી પ્રદેશમાં અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિના કારણે આ તમામ યોજનાઓ પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વર્તમાન કટોકટીના કારણે હવે ૨૦૨૭ સુધી ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં કોઈ મોટા વધારાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. ભવિષ્યમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આયોજિત સમીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, કારણ કે યુદ્ધના માહોલમાં આગામી પુરવઠાનો ચોક્કસ અંદાજ મેળવવો અશક્ય બન્યો છે. અગાઉથી જ દૈનિક ૨ મિલિયન બેરલ કાપનો સામનો કરી રહેલા વૈશ્વિક બજાર માટે આ નિર્ણય તેલના ભાવમાં વધારો કરી શકે છે, જેની સીધી અસર ભારત જેવા આયાત પર નિર્ભર દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર જોવા મળી શકે છે.

(9:38 PM IST)