<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સામાન્ય જનતાને મોટો આંચકો: આગામી મહિનાઓમાં મોબાઈલ બિલમાં ૧૫% સુધીના તોતિંગ વધારાની તૈયારી

દેશના ટેલિકોમ માર્કેટમાં બદલાતા સમીકરણો અને ઓછી સ્પર્ધાનો લાભ લેશે મોટી કંપનીઓ : સેન્ટ્રમ રિસર્ચના અહેવાલમાં જિયો અને એરટેલનો દબદબો વધવાની અને વોડાફોન-આઈડિયાને નાણાકીય રાહત મળવાની આશા

નવી દિલ્હી :   સ્માર્ટફોન વિના જેમનું જીવન અધૂરું છે તેવા દેશના કરોડો મોબાઈલ વપરાશકર્તાઓના ખિસ્સા પર ટૂંક સમયમાં જ મોટો આર્થિક બોજ આવવાનો છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ આગામી ત્રણથી ચાર મહિનામાં મોબાઈલ ટેરિફ (રિચાર્જ પ્લાન) માં ૧૨ થી ૧૫ ટકા સુધીનો મોટો વધારો કરવાની પૂરતી તૈયારી કરી રહી છે. ભારતીય બજારમાં હાલમાં ગણતરીની ત્રણ ખાનગી ઓપરેટર્સ અને એક સરકારી કંપની જ સક્રિય હોવાથી સ્પર્ધા ખૂબ ઓછી થઈ ગઈ છે, જેનો સીધો ફાયદો ઉઠાવીને કંપનીઓ પોતાનો નફો અને સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા વધારવા માટે કિંમતોમાં આ વધારો ઝીંકશે.

બજારના આંતરિક વિશ્લેષણ પર નજર કરીએ તો, ગ્રાહકો ખૂબ જ ઝડપથી જુના ૨G નેટવર્કને છોડીને ૪G અને કનેક્ટિવિટીના નવા યુગ સમાન ૫G નેટવર્ક તરફ વળી રહ્યા છે. આ રેસમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓ પોતાની મજબૂત પકડને કારણે બજાર હિસ્સો સતત વધારી રહી છે, જ્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન-આઈડિયા (Vi) ને ગ્રાહકોની બાબતમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ચાલુ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો અંદાજે ૭૦ લાખ અને એરટેલ ૫૦ લાખ નવા ગ્રાહકો ઉમેરે તેવી આશા છે, જેની સરખામણીએ વોડાફોન-આઈડિયા માત્ર ૨ લાખ ગ્રાહકો માંડ ઉમેરી શકશે, જેનાથી ટેલિકોમ માર્કેટ બે જ મોટી કંપનીઓના પ્રભુત્વ તરફ આગળ વધી રહ્યું હોવાના સંકેતો મળે છે.

જોકે, આ તીવ્ર સ્પર્ધા વચ્ચે દેશભરમાં ૫G સેવાઓનું વિસ્તરણ પણ વીજળીક વેગે થઈ રહ્યું છે અને પ્રતિ ગ્રાહક ડેટાનો વપરાશ રેકોર્ડ સ્તરે મજબૂત છે. જિયો અને એરટેલે દેશના ૯૦ ટકાથી વધુ વિસ્તારો કવર કરી લીધા છે અને હવે તેઓ ૫G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ  પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બીજી તરફ, મુશ્કેલીઓમાંથી બહાર આવવા મથતી વોડાફોન-આઈડિયા માટે પણ એક સારા સમાચાર છે કે તેના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ ના લેણાંની જવાબદારી ઘટીને ₹૨૫,૦૦૦ કરોડ થઈ ગઈ છે, જે મોટી નાણાકીય રાહત છે. કંપની હાલમાં ૧૦૦ થી વધુ શહેરોમાં પોતાનું ૫G નેટવર્ક એક્ટિવ કરી ચૂકી છે, પરંતુ આ તમામ ટેકનોલોજીકલ સુધારા વચ્ચે ગ્રાહકોએ મોંઘા રિચાર્જ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.

(7:31 PM IST)