તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારને મોટો આંચકો: કોલોરાડો એટર્ની જનરલની રેસમાંથી બહાર થયા પૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર હેતલ દોશી
પ્રાઇમરી ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જેના ગ્રિસવોલ્ડ સામે પરાજય બાદ હેતલ દોશીએ સ્વીકારી હાર; રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ટાંકીને સમર્થકોનો માન્યો હૃદયસ્પર્શી આભાર

ડેનવર, તા.૦૩: અમેરિકાની પ્રતિષ્ઠિત કોલોરાડો એટર્ની જનરલની ચૂંટણીના રાજકીય મેદાનમાંથી ભારતીય-અમેરિકન સમુદાયનો એક મજબૂત ચહેરો બહાર થઈ ગયો છે. ડેમોક્રેટિક પક્ષની આંતરિક પ્રાઇમરી ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ પૂર્વ ફેડરલ પ્રોસિક્યુટર હેતલ દોશીએ સત્તાવાર રીતે આ રેસમાંથી બહાર થવાની જાહેરાત કરી છે. આ હાઈ-પ્રોફાઈલ અને ભારે ભીડભાડવાળી પ્રાઇમરી ચૂંટણીમાં જેના ગ્રિસવોલ્ડે હેતલ દોશી સહિત માઈકલ ડોગર્ટી અને ડેવિડ સેલિગમેન જેવા દિગ્ગજોને હરાવીને જીત મેળવી છે. હવે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં વિજેતા જેના ગ્રિસવોલ્ડનો સીધો મુકાબલો રિપબ્લિકન પક્ષના ઉમેદવાર માઈકલ એલન સામે થશે.
ચૂંટણી પરિણામો બાદ હેતલ દોશીએ સોશિયલ મીડિયા પર પોતાના સમર્થકો માટે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી સંદેશ શેર કર્યો હતો. તેમણે હારનો સ્વીકાર કરતા લખ્યું કે, "ગઈકાલની રાત અમારી આશાઓ અને અપેક્ષાઓ મુજબની ન રહી, જેની મને ભારે નિરાશ છે. પરંતુ આજે સવારે જ્યારે હું જાગી ત્યારે મારા મનમાં એક ગર્વ અને કૃતજ્ઞતાની લાગણી હતી." આ કપરા સમયે પોતાના મનની સ્થિતિ વર્ણવવા માટે તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની લોકપ્રિય પંક્તિઓ ટાંકી હતી: "હું સૂઈ ગઈ અને સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે. હું જાગી ગઈ અને જોયું કે જીવન સેવા છે. મેં અભિનય કર્યો, અને જુઓ, સેવા જ આનંદ છે."
રાજકારણમાં નહીં, કાયદાની સેવામાં વીતાવી કારકિર્દી
જો બાઇડનના વહીવટીતંત્ર હેઠળ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) ના એન્ટિટ્રસ્ટ ડિવિઝનના વડા તરીકે સેવા આપી ચૂકેલા હેતલ દોશીએ જણાવ્યું હતું કે, કોલોરાડોની જનતા માટે લડવું એ તેમના વ્યાવસાયિક જીવનનો સૌથી મોટો આનંદ રહ્યો છે. લગભગ બે દાયકાનો બહોળો કાનૂની અનુભવ અને વર્જિનિયા યુનિવર્સિટીમાંથી લો (Law) ની ડિગ્રી ધરાવતા હેતલ દોશીની ઓળખ એક નીડર પ્રોસિક્યુટર તરીકેની રહી છે. તેમણે પોતાની કારકિર્દી રાજકારણમાં નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વિતાવી છે, જ્યાં તેમણે આઈટી ક્ષેત્રની ઈજારાશાહી (Tech Monopolies) થી લઈને હિંસક ગુનેગારો સામેની સૌથી મુશ્કેલ કાનૂની લડાઈઓ લડીને ન્યાયતંત્રમાં પોતાની અમીટ છાપ છોડી છે.
ભલે ચૂંટણી હાર્યા, પણ રેકોર્ડ અસંખ્ય બનાવ્યા
પોતાના અભિયાનની સિદ્ધિઓ વાગોળતા હેતલ દોશીએ જણાવ્યું કે ભલે પરિણામ આપણી તરફેણમાં નથી આવ્યું, પરંતુ આ એક વર્ષ દરમિયાન અમે પ્રસ્થાપિત રાજકીય શાણપણ અને અપેક્ષાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઝુંબેશ દરમિયાન તેમણે પ્રથમ દિવસે જ ફંડ એકત્ર કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો અને બેલેટ પેપર પર સ્થાન મેળવવા માટે ૧૨,૦૦૦થી વધુ નાગરિકોની સહીઓ એકત્ર કરી હતી. એટલું જ નહીં, તેમની કાનૂની ક્ષમતાને જોઈને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ૫૦થી વધુ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખીને તેમને સમર્થન આપ્યું હતું.
હેતલ દોશીએ ઉમેર્યું કે, "એક વર્ષ પહેલાં કોલોરાડોના ૧૨,૦૦૦ લોકો પણ મારું નામ નહોતા જાણતા, પરંતુ આજે વ્યાપક પ્રચારના અંતે ભીડ વચ્ચે ૧,૨૦,૦૦૦થી વધુ લોકોએ અમને પસંદ કર્યા છે. આ ચૂંટણી પડોશીઓને દુશ્મન બનાવવાની નહીં, પણ સમુદાયના નિર્માણની હતી." પોતાના પ્રવાસી માતા-પિતાના અમેરિકા આવવાના સંઘર્ષને યાદ કરીને તેમણે વચન આપ્યું હતું કે આ હારથી તેઓ હિંમત નહીં હારે અને ન્યાયી ભવિષ્ય માટે જનતાની સેવાનું કાર્ય અવિરત ચાલુ રાખશે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
