તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી મેળવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું: પુણેમાં મહારાષ્ટ્ર કુરાશ એસોસિએશનના પ્રમુખ અને મંત્રીની ધરપકડ
૧,૦૦૦થી વધુ નકલી પ્રમાણપત્રો જારી કરી બેક-ડેટ રેકોર્ડ્સ ઊભા કર્યા: ઉસ્માનાબાદનું જૂનું નામ ધારાશિવ લખાતાં બોગસ સર્ટિફિકેટ્સનો ભંડાર ઝડપાયો

પુણે : સ્પોર્ટ્સ ક્વોટા (રમતગમત અનામત) હેઠળ સરકારી નોકરીઓ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને નકલી પ્રમાણપત્રો વેચવાના એક બહુચર્ચિત અને મોટા કૌભાંડનો પુણે પોલીસે પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્ર કુરાશ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી સહિત બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ક્યારેય યોજાઈ જ નહોતી તેવી રાજ્ય સ્તરીય સ્પર્ધાઓના આધારે ૧,૦૦૦થી વધુ બોગસ સર્ટિફિકેટ્સ જારી કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે સરકારી વિભાગોમાં નોકરી મેળવનારા ઓછામાં ઓછા ૬૦ જેટલા ઉમેદવારોની પોલીસે ઓળખ કરી લીધી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ૨૦૧૬થી ૨૦૧૯ દરમિયાન ઈન્ડિયન કુરાશ એસોસિએશન સાથે માન્યતા ન ધરાવતી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓનું કાગળ પર આયોજન બતાવાયું હતું અને પ્રમાણપત્રો પર ડિજિટલી સ્કેન કરેલી સહીઓ ગોઠવવામાં આવી હતી. આરોપીઓએ ૨૦૧૬થી ૨૦૨૨ વચ્ચે આ સ્પર્ધાઓ યોજાઈ હોવાનો બોગસ રેકોર્ડ ઊભો કરવા માટે જિલ્લા સ્તરના એસોસિએશન્સ પાસેથી ૯ થી ૧૦ વર્ષ જૂની તારીખોના પાછલા પત્રો (બેક-ડેટેડ લેટર્સ) મેળવ્યા હતા. કૌભાંડીઓની ગંભીર ભૂલ ત્યારે પકડાઈ જ્યારે ૨૦૧૬-૧૭ના નકલી સર્ટિફિકેટમાં 'ધારાશિવ' અને 'છત્રપતિ સંભાજીનગર' નામો લખાયેલા મળ્યા, જ્યારે વાસ્તવમાં ઉસ્માનાબાદ અને ઔરંગાબાદના આ નામો વર્ષ ૨૦૨૩માં બદલવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક સર્ટિફિકેટ્સમાં મહિલા કેટેગરીમાં પુરુષોના નામ લખાયેલા હતા તો કેટલાક પર સીરિયલ નંબર પણ નહોતા. હાલમાં વિવિધ સરકારી વિભાગોમાં આ સર્ટિફિકેટ્સ જમા કરાવનારા ૬૦ ઉમેદવારોનું પગેરું મળી ચૂક્યું છે અને તપાસ આગળ વધતાં આ આંકડો હજુ વધવાની પૂરેપૂરી આશંકા છે. પોલીસ વિભાગમાં પણ કોઈએ આવા ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે કે કેમ તે દિશામાં પણ જીણવટભરી પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
