તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
કર્ણાટકમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં જ કોંગ્રેસમાં મોટો બળવો: કેબિનેટમાં સ્થાન ન મળતાં બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા, શિવકુમાર સરકાર મુશ્કેલીમાં
મંત્રીપદનું વચન ન પાળવાનો આક્ષેપ કરીને ઇન્ડીના ધારાસભ્ય પાટીલ અને સાગરના ધારાસભ્ય ગોપાલકૃષ્ણએ ધારાસભ્યપદ છોડ્યું: ૨૦ નવા મંત્રીઓના શપથ ગ્રહણ પહેલા જ પાર્ટીમાં અસંતોષ.

બેંગલુરુ : કર્ણાટકના રાજકારણમાં સોમવારે એક નવો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વ હેઠળના કેબિનેટના બહુપ્રતિક્ષિત વિસ્તરણના થોડા જ કલાકો પહેલાં કોંગ્રેસના બે અગ્રણી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપીને પક્ષ નેતૃત્વને ભારે દબાણમાં મૂકી દીધું છે. ઇન્ડી (Indi) ના વરિષ્ઠ ધારાસભ્ય યશવંત્રયગૌડા વી. પાટીલ અને સાગરના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આકરા પ્રહારો સાથે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
યશવંત્રયગૌડા પાટીલે બેંગલુરુ સ્થિત વિધાનસૌધમાં ડેપ્યુટી સ્પીકર રુદ્રપ્પા લામાનીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામાની જાણ થતાં જ તેમના સમર્થકોએ વિધાનસૌધ બહાર ભારે વિરોધ પ્રદર્શન કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પાટીલે પત્રકારો સાથે વાતચીતમાં નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, "સોમવાર સવાર સુધી મંત્રીઓની યાદીમાં મારું નામ સામેલ હતું અને મને સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ અંતિમ યાદીમાંથી મારું નામ હટાવી દેવાયું. પક્ષના નેતાઓએ કેબિનેટ પદ અંગે આપેલું વચન પાળ્યું નથી. વિજયપુરા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં વફાદારી અને પ્રામાણિકતાની કોઈ કિંમત નથી રહી."
પાટીલના રાજીનામાના થોડા જ સમય બાદ સાગરના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ પણ મંત્રીપદ માટે પોતાની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને વિધાનસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. એક સાથે બે ધારાસભ્યોના રાજીનામાથી કેબિનેટ વિસ્તરણ દરમિયાન એકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ સરકાર માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સપ્તાહોની લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ૨૦ નવા મંત્રીઓની યાદીને મંજૂરી આપી હતી, જેઓ સોમવારે સાંજે મંત્રી તરીકે શપથ લેવાના હતા. પ્રાદેશિક, જાતિગત અને વિવિધ જૂથો વચ્ચે સંતુલન જાળવવા માટે હાથ ધરાયેલા આ કેબિનેટ વિસ્તરણના કારણે જ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે, જેને કાબૂમાં લેવો હવે શિવકુમાર સરકાર માટે મોટો પડકાર બની રહેશે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
