તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: નાશિકના BAMS વિદ્યાર્થી શુભમ ખેરનારે ₹10 લાખમાં ખરીદ્યું પેપર : ₹15 લાખમાં વેચ્યું, CBIએ કબજામાં લીધો
ટેલિગ્રામથી થયેલી ડીલ, વોટ્સએપ પર ફરતું થયું ‘ગેસ પેપર’; બાયોલોજીના 90 અને કેમિસ્ટ્રીના 45 સવાલો હૂબહૂ મળ્યા, 120 સવાલો મૂળ પેપર સાથે મેચ થયા, અનેક રાજ્યોમાં ફેલાયું નેટવર્ક

નાશિક/નવી દિલ્હી, તા. 13 : NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. નાશિક ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષીય BAMS વિદ્યાર્થી શુભમ ખેરનારની ધરપકડ કરી છે. શુભમે ટેલિગ્રામ મારફતે ₹10 લાખ ચૂકવીને લીક થયેલું પેપર ખરીદ્યું હતું અને ત્યારબાદ ₹15 લાખમાં હરિયાણાના એક વ્યક્તિને વેચી દીધું હતું. હાલ CBIએ તેને કબજામાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
રાજસ્થાન પોલીસની SOGની બાતમીના આધારે નાશિક પોલીસે ઈન્દિરાનગર વિસ્તારમાંથી શુભમ ખેરનારને મંદિર જતા રસ્તામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા તેણે માથું મુંડાવી દીધું હતું. શુભમ મૂળ નાંદગાવનો રહેવાસી છે અને ભોપાલમાં BAMSનો અભ્યાસ કરે છે.
તપાસમાં સામે આવ્યું છે કે પેપર નાશિકની એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું. શુભમે પુણેથી કોઈ વ્યક્તિ પાસેથી ₹10 લાખમાં ‘ગેસ પેપર’ ખરીદ્યું હતું. આ પેપરમાં 410 સવાલો અને જવાબો હતા, જેમાંથી બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 સવાલો NEET-UG 2026ના મૂળ પેપર સાથે હૂબહૂ મળતા આવ્યા હતા. કુલ 120 સવાલો મૂળ પેપર સાથે મેચ થયા હતા.
કેવી રીતે ફેલાયું પેપર?
શુભમે પેપર ખરીદ્યા બાદ તેની સોફ્ટ કોપી ગુરુગ્રામના એક ડોક્ટરને મોકલી હતી. ત્યાંથી વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે રાજસ્થાન, કેરળ, બિહાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને દહેરાદૂન સુધી ફેલાવવામાં આવ્યું હતું. કોચિંગ સેન્ટરો અને પીજી હોસ્ટેલના કર્મચારીઓને આ પેપર ₹30 હજારથી ₹25 લાખ સુધીની કિંમતે વેચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
NTAએ રદ કરી પરીક્ષા, CBI તપાસ શરૂ
3 મેના રોજ લેવાયેલી NEET-UG 2026ની પરીક્ષા NTAએ રદ કરી દીધી છે. કેન્દ્ર સરકારે સમગ્ર મામલાની તપાસ CBIને સોંપી છે. નવી તારીખો 7થી 10 દિવસમાં જાહેર કરવામાં આવશે. રાજસ્થાન પોલીસે અત્યાર સુધીમાં દેશભરમાંથી 16 લોકોની અટકાયત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડ પાછળ 45થી વધુ લોકોનું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે.
પોલીસનું માનવું છે કે શુભમ ખેરનાર પેપર કેવી રીતે લીક થયું અને કયા રસ્તે ફર્યું તેની મહત્વની કડી છે. CBI હવે ટેલિગ્રામ ચેનલો, પૈસાની લેવડ-દેવડ અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
