તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
લખનૌના ઉદ્યોગપતિ શિવ શર્મા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ: ૧૧ દિવસથી પોલીસને ચકમો આપી રહેલી મુખ્ય આરોપી શ્રદ્ધા દુબે નાગપુરથી ઝડપાઈ
બુરખો પહેરીને ફરાર થઈ રહેલી શ્રદ્ધા દુબે, તેની બહેન અને ડ્રાઇવર ઉત્તર પ્રદેશ એસટીએફ અને નાગપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં થયા ગિરફ્તાર; ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લખનૌ લાવવાની તજવીજ હાથ ધરાઈ.

નાગપુર, તા.20: લખનૌના ચર્ચીત ઉદ્યોગપતિ શિવ શર્માના રહસ્યમય મૃત્યુ અને હત્યા કેસમાં છેલ્લા ૧૧ દિવસથી ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફ (STF) માટે વોન્ટેડ બનેલી મુખ્ય આરોપી શ્રદ્ધા દુબે આખરે નાગપુરથી પકડાઈ ગઈ છે. યુપી પોલીસને લાંબા સમયથી દોડાવતી આ કુશળ આરોપી શ્રદ્ધા દુબેની સાથે તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર દાનિશની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે, જેમને હવે મંગળવારે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લખનૌ લાવવામાં આવશે.
ઘટનાક્રમ પર નજર કરીએ તો, શિવ શર્માની હત્યા બાદ શ્રદ્ધા દુબે પોલીસથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલી રહી હતી. તે શરૂઆતમાં ઉત્તર પ્રદેશથી નેપાળ ભાગી ગઈ હોવાની ચર્ચા હતી, ત્યારબાદ તે અચાનક લખનૌ પરત ફરીને વકાલતનામા પર સહીઓ કરી મીડિયાના ચર્ચાના કેન્દ્રમાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાઈ જવાથી બચવા માટે શ્રદ્ધા, તેની બહેન અને ડ્રાઇવર બુરખો પહેરીને મુસાફરી કરી રહ્યા હતા અને આગ્રાથી મધ્યપ્રદેશ થઈને નાગપુર પહોંચ્યા હતા.
આગોતરા જામીન મેળવવા માટે તે દેશના અનેક અગ્રણી વકીલોના સંપર્કમાં હતી અને નવરાત્રી તથા દશેરાની રજાઓ પૂર્ણ થયા બાદ આત્મસમર્પણ કરવાની ફિરાકમાં હતી. જોકે, યુપી એસટીએફના સતત ટેક્નિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે નાગપુર પોલીસની મદદથી આ ત્રણેય આરોપીઓને આખરે દબોચી લેવામાં આવ્યા છે, જેને યુપી પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
દરમિયાન, મૃતક શિવ શર્માની માતા રંજનાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર મોકલીને આ કેસની નિષ્પક્ષ તપાસ અને કઠોર કાર્યવાહીની માંગણી કરી છે. ભાજપના ધારાસભ્ય નીરજ બોરા દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં પરિવારે આ કેસ વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ચલાવવા તેમજ પુરાવા સાથે ચેડાં કરનાર સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા પકડાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને લખનૌ લાવ્યા બાદ હત્યાના અસલી કારણો પરથી પડદો ઉંચકાશે. આ સનસનાટીભર્યા કેસમાં કાયદાકીય કાર્યવાહી ઝડપી બનતા પીડિત પરિવારને ન્યાય મળવાની આશા બંધાઈ છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
