News of Monday, 7th September 2026
સાયબર ફ્રોડના શિકાર બનેલા લોકો માટે મોટી રાહત: સરકારની નવી ઓનલાઈન સિસ્ટમથી ઘરબેઠા પરત મળશે ફ્રિઝ થયેલા નાણાં!
૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ I4C ના 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' દ્વારા ઓનલાઈન રિફંડ મેળવવું બન્યું સરળ; હવે બેંકો અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી : દેશમાં વધતી જતી સાયબર ઠગાઈની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીડિતો માટે એક અત્યંત રાહતરૂપ અને ઉપયોગી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત 'ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) દ્વારા 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' (MRM) લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા દ્વારા ઓનલાઈન ફ્રોડમાં ફસાયેલા અને આરોપીઓના ખાતામાં ફ્રિઝ (Freezed) થયેલા નાણાં પરત મેળવવા માટે નાગરિકો ઘરબેઠા જ ઓનલાઈન વિનંતી કરી શકશે.
આ પ્રક્રિયાનો લાભ લેવા માટે સૌથી પહેલાં પીડિતે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરીને અથવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર પોતાની ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. ફરિયાદ નોંધાવ્યા બાદ મળતો ૧૪ અંકનો NCRP સ્વીકૃતિ નંબર MRM પોર્ટલ પર 'Raise Refund Request' વિકલ્પમાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ઓટીપી (OTP) દ્વારા ચકાસણી કરીને યોગ્ય બેંક ખાતાની વિગતો અને PAN કાર્ડની નકલ અપલેડ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ સિસ્ટમ ૧૪ અંકનો યુનિક રિકવેસ્ટ નંબર (URN) જનરેટ કરશે, જેનાથી રિફંડની સ્થિતિ ટ્રેક કરી શકાશે.
સરકારી આંકડાઓ અનુસાર, CFCFRMS પ્લેટફોર્મે અત્યાર સુધીમાં લાખો ફરિયાદો પર કાર્યવાહી કરીને હજારો કરોડ રૂપિયા બચાવ્યા છે. અગાઉ પીડિતોએ ફ્રિઝ થયેલી રકમ પાછી મેળવવા માટે પોલીસ સ્ટેશનો અને બેંકોના લાંબા ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ નવી ડિજિટલ સિસ્ટમથી આખી પ્રક્રિયા પારદર્શક અને સરળ બની ગઈ છે. જોકે, આ મોડ્યુલ રિફંડની સો ટકા ગેરંટી આપતું નથી, તે માત્ર ત્યારે જ ઉપયોગી સાબિત થાય છે જ્યારે છેતરપિંડીની રકમ સમયસર શોધીને ફ્રિઝ કરવામાં આવી હોય.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
