<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

જંતર-મંતર હુમલા કેસમાં સ્વતંત્ર ભારદ્વાજને મોટી રાહત! પટિયાલા હાઉસ કોર્ટે મંજૂર કર્યા ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન

CJP કાર્યકરના પિતા પર કથિત હુમલા અને SC/ST એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં દિલ્હી પોલીસના ખુલાસા બાદ અદાલતનો મહત્વનો નિર્ણય; જેલમાંથી બહાર આવશે ભારદ્વાજ

નવી દિલ્હી, તા.૧૫: પાટનગર દિલ્હીના જંતર-મંતર ખાતે જુલાઈ મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત હુમલાના ચર્ચિત કેસમાં સ્વ-ઘોષિત કાર્યકર સ્વતંત્ર ભારદ્વાજને મોટી કાનૂની રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે તેમની જામીન અરજી પર સુનાવણી કરતા તેમને ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ મામલો 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના એક સગીર કાર્યકરના પિતા પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત હુમલા અને બોલાચાલી સાથે જોડાયેલો છે.

 

અધિક સેશન્સ જજ સૌરભ પ્રતાપ સિંહ લાલરની અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આ આદેશ સંભળાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને ઘટનામાં જાતિવાદી અપશબ્દોના ઉપયોગ અંગે પૂછપરછ કરી હતી. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે મૂળ ફરિયાદમાં આવી કોઈ વાત નહોતી, પરંતુ બાદમાં પૂરક નિવેદનના આધારે કેસમાં SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો ઉમેરવામાં આવી હતી. બીજી તરફ, ફરિયાદીના વકીલે ભારદ્વાજ સામે SC/ST અને POCSO એક્ટ હેઠળના આરોપોને ધ્યાને રાખી જામીનનો વિરોધ કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, ૪ સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી અટકાયત કર્યા બાદ દિલ્હી પોલીસે સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરી હતી અને ૭ સપ્ટેમ્બરે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. CJP ના કાર્યકરોએ આ ઘટના સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ઘેરાવ પણ કર્યો હતો. જોકે, અદાલતના આ વચગાળાના જામીનના આદેશથી ભારદ્વાજને કામચલાઉ રાહત મળી છે, જ્યારે કેસની મુખ્ય તપાસ અને કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

 

(4:41 PM IST)