<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

નાના નિકાસકારોને મોટી રાહતની તૈયારી: ૧૦,૦૦૦ સુધીની નિકાસ માટે કાગળકાર્યમાં પ્રક્રિયા સરળ બનાવી

પોસ્ટ અને કુરિયર મારફતે નિકાસને પ્રોત્સાહન: નોંધણી પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા કેન્દ્રનો પ્રસ્તાવ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પોસ્ટ અથવા કુરિયર મારફતે દસ હજાર રૂપિયા સુધીના મૂલ્યના નિકાસ શિપમેન્ટ માટે કાગળકાર્ય સરળ બનાવવા વિચારણા કરી રહી છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે તૈયાર કરેલા પ્રસ્તાવ મુજબ આવા કન્સાઇનમેન્ટ માટે નોંધણી કમ સભ્યપદ પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગો, હસ્તકલા કલાકારો તથા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પ્રથમ વખત નિકાસ કરતા વેપારીઓ માટે પ્રક્રિયા સરળ બનાવવાનો છે. ઓનલાઈન નિકાસને પ્રોત્સાહન આપવા અને નાના નિકાસકારો માટે અવરોધો ઘટાડવા સરકાર દ્વારા આ પગલું વિચારાધીન રાખવામાં આવ્યું છે.

વિદેશ વેપાર મહાનિર્દેશાલયે વિદેશ વેપાર નીતિ ૨૦૨૩ના સંબંધિત નિયમોમાં સુધારા માટે વીસ જુલાઈએ ટ્રેડ નોટિસ બહાર પાડી છે. નિકાસકારો, ઉદ્યોગ સંગઠનો તથા અન્ય હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને તેના માટે દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળેલા સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

હાલના નિયમો મુજબ આયાત અથવા નિકાસ કરતી કંપનીએ સત્તાવાર રીતે નોંધણી કરાવી પ્રમાણપત્ર મેળવવું જરૂરી બને છે. પ્રસ્તાવિત સુધારા અમલમાં આવશે તો દસ હજાર રૂપિયા સુધીના મૂલ્યના પોસ્ટલ અથવા કુરિયર નિકાસ શિપમેન્ટ માટે આ પ્રક્રિયામાં રાહત મળશે. જોકે પ્રતિબંધિત શ્રેણીમાં આવતી વસ્તુઓની નિકાસ માટે આ છૂટ લાગુ નહીં પડે

 

વિદેશ વેપાર મહાનિર્દેશાલયે નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ જાહેર કરી દસ દિવસમાં હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા; નાના ઉદ્યોગો, કલાકારો અને ઈ-કોમર્સ વેચાણકારોને લાભ મળવાની શક્યતા.

(10:46 AM IST)