<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સત્યેન્દ્ર જૈનને દિલ્હી જલ બોર્ડ કૌભાંડ કેસમાં મોટી રાહત: ૧૬ દિવસ બાદ કોર્ટે મંજૂર કર્યા જામીન!

રૂપિયા ૨ લાખના બોન્ડ પર રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન: સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં ગેરરીતિ અને કૌભાંડનો છે આરોપ

નવી દિલ્હી | તા.૦૩: આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને કથિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીની કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી જલ બોર્ડ (DJB) ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) પ્રોજેક્ટ્સમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરવાના આરોપસર ધરપકડ કરાયેલા જૈનને રાઉઝ એવન્યુ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સ્પેશિયલ જજ દિગ્વિનય સિંહે સત્યેન્દ્ર જૈનને ₹૨ લાખના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી જલ બોર્ડના પ્રોજેક્ટ્સની ટેન્ડર પ્રક્રિયામાં મનસ્વી રીતે શરતો બદલી ચોક્કસ કંપનીઓને ફાયદો પહોંચાડવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ૧૮ ઓગસ્ટના રોજ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દિલ્હી જલ બોર્ડના પૂર્વ સીઈઓ અને આઈએએસ અધિકારી ઉદિત પ્રકાશ રાય તથા કોન્ટ્રાક્ટ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ સહિત અન્ય પાંચ લોકો પણ એસીબીના શિકંજામાં આવ્યા હતા.

ACB ની તપાસ અનુસાર, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડર નિર્માણ દરમિયાન એવી તકનીકી શરતો ઉમેરવામાં આવી હતી જેથી મુક્ત સ્પર્ધા સીમિત થઈ જાય અને ચોક્કસ ટેકનોલોજી ધરાવતી ખાનગી કંપનીઓને સીધો ફાયદો પહોંચાડી શકાય. તપાસ એજન્સીનો દાવો છે કે ડિજિટલ પુરાવા અને ઈલેક્ટ્રોનિક ચેટ્સ પરથી સાબિત થાય છે કે ખાનગી વ્યક્તિઓ, મધ્યસ્થીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે અંદરઅંદર મોટું સેટિંગ ચાલી રહ્યું હતું.

જોકે, ૧૬ દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટે જૈનને જામીન આપતા તાત્કાલિક રાહત તો મળી છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જામીન મંજૂર થવાનો અર્થ નિર્દોષ છૂટકારો નથી. કેસની કાનૂની કાર્યવાહી અને એજન્સીઓની તપાસ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

(3:58 PM IST)