News of Wednesday, 25th November 2026
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત : અપ્રમાણસર મિલકતની ફરિયાદમાં CBI અને ED તપાસના અલાહાબાદ હાઈકોર્ટના આદેશ રદ
ભાજપના કાર્યકર વિગ્નેશ શિશિરની અરજીની ટકી શકવાની યોગ્યતા સહિતના તમામ મુદ્દાઓ પર રાહુલ ગાંધીની રજૂઆત સાંભળીને નવેસરથી નિર્ણય લેવા હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી કાનૂની રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના એ નિર્દેશોને રદ કરી દીધા છે, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીને રાહુલ ગાંધી સામેની અપ્રમાણસર મિલકતની ફરિયાદની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ભાજપના સભ્ય વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ટકી શકે તેમ છે કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓ પર અલાહાબાદ હાઈકોર્ટ રાહુલ ગાંધીને સાંભળીને નવેસરથી સુનાવણી હાથ ધરે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બનેલી ખંડપીઠે હાઈકોર્ટના નિર્દેશોને પડકારતી રાહુલ ગાંધીની અરજીનો નિકાલ કરતા આ મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એઓઆર એસ પ્રસન્ના હાજર રહ્યા હતા, જ્યારે અરજદાર વિગ્નેશ શિશિર પોતે રૂબરૂ હાજર રહ્યા હતા.
આ સમગ્ર વિવાદ કર્ણાટક સ્થિત ભાજપના કાર્યકર વિગ્નેશ શિશિરની ફરિયાદથી શરૂ થયો હતો, જેમાં આક્ષેપ કરાયો હતો કે રાહુલ ગાંધી પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતા વધુ પ્રમાણમાં મિલકત છે. અલાહાબાદ હાઈકોર્ટે મે મહિનામાં આપેલા પોતાના આદેશમાં નોંધ્યું હતું કે જો અરજદારની ફરિયાદ મળી હોય તો કાયદા મુજબ તેના આક્ષેપોની ચકાસણી થવી જોઈએ અને સીબીઆઈ કે ઈડી કાયદા હેઠળ યોગ્ય પગલાં લઈ શકે છે. ત્યારબાદ હાઈકોર્ટે બંને તપાસ એજન્સીઓને તપાસની પ્રગતિ અંગે કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ મામલે 20 જુલાઈના રોજ યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે સીબીઆઈના સોગંદનામા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે અગાઉના નિર્દેશો મુજબ નથી. બીજી તરફ કોર્ટે નોંધ્યું હતું કે ઈડીએ જરૂરી પગલાં લીધા છે અને તપાસ દરમિયાન કોઈ માહિતી મળે તો તે જરૂરી કાનૂની કાર્યવાહી કરી શકે છે, ત્યારબાદ વધુ સુનાવણી માટે 20 ઓગસ્ટની તારીખ નક્કી કરાઈ હતી.
અલાહાબાદ હાઈકોર્ટના આ આદેશોને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. તેમના તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી કાયદાથી વિપરીત છે અને કાયદામાં માન્ય ન હોય તેવી પ્રક્રિયા દ્વારા રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે મૂળ અરજદારના અધિકાર ક્ષેત્ર અને ઈરાદા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. અગાઉ 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર નોટિસ જારી કરીને હાઈકોર્ટની કાર્યવાહી પર રોક લગાવી હતી અને સીબીઆઈ તથા ઈડીને હાઈકોર્ટમાં કોઈપણ રિપોર્ટ રજૂ કરતા અટકાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના અગાઉના આદેશો રદ કરીને રાહુલ ગાંધીનો પક્ષ સાંભળ્યા બાદ જ આગળ વધવાનો આદેશ આપ્યો છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
