<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ડિગ્રી ધારકો માટે રાહતના મોટા સમાચાર: ૨૦૨૨ પહેલાં એકસાથે પૂર્ણ કરેલી બે ડિગ્રીઓ માન્ય ગણાશે : દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

એકલવ્ય મોડેલ સ્કૂલ (EMRS) ના ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા હાઈકોર્ટનો નિર્દેશ: યુજીસીની સુધારેલી માર્ગદર્શિકાના આધારે ઉમેદવારોના હિતમાં લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી:   દેશના લાખો વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ ૨૦૨૨ પહેલાં જો કોઈ વિદ્યાર્થીએ એકસાથે બે શૈક્ષણિક ડિગ્રી પૂર્ણ કરી હોય, તો તેને ફક્ત એ આધારે અમાન્ય જાહેર કરી શકાય નહીં કે તે એક જ સમયગાળા દરમિયાન મેળવવામાં આવી હતી. અદાલતે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ (NEST) ને મોટો આદેશ આપતાં જણાવ્યું છે કે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) માં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) તરીકે પસંદ થયેલા ચાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવાના અગાઉના નિર્ણય પર તેઓ તાત્કાલિક પુનર્વિચાર કરે.

જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને મનમીત પ્રીતમ સિંહ અરોરાની હાઈકોર્ટની બેન્ચે આ મામલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની સુધારેલી માર્ગદર્શિકાને ટાંકીને ન્યાયિક વલણ અપનાવ્યું છે. અદાલતે નોંધ્યું કે ૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ યોજાયેલી યુજીસીની ૫૮૯મી બેઠકમાં ૨૦૨૨ ની માર્ગદર્શિકામાં સત્તાવાર સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ સ્પષ્ટતા કરાઈ છે કે, જો ૨૦૨૨ પહેલાં મેળવેલી બે ડિગ્રીઓ તે સમયે અમલમાં રહેલા નિયમોને આધીન હોય, તો તેને સંપૂર્ણ માન્ય ગણવામાં આવશે. વળી, ૨૦૨૨ પહેલાંના જૂના નિયમોમાં પણ એક ડિગ્રી નિયમિત (રેગ્યુલર) મોડથી અને બીજી ડિગ્રી અંતરવર્તી (ડિસ્ટન્સ) મોડથી મેળવવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નહોતો.

આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૨૩ ની EMRS ભરતી પ્રક્રિયા દરમિયાન શરૂ થયો હતો, જેમાં પસંદ પામેલા ચાર શિક્ષક ઉમેદવારોએ ૨૦૨૨ પહેલાં પોતાની એમ.એ. (MA) અને બી.એડ. (B.Ed) ની ડિગ્રીઓ એક જ સમયે પૂરી કરી લીધી હતી. સંસ્થાએ જૂન ૨૦૨૪ માં આ ઉમેદવારી એવું કહીને રદ કરી દીધી હતી કે નિયમ મુજબ એકસાથે બે ડિગ્રી સમકક્ષ ગણી શકાય નહીં. જો કે, ઉમેદવારોએ આ નિર્ણયને બંધારણના અનુચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન ગણાવીને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે હાઈકોર્ટે આ ઉમેદવારોના કેસોની ફરીથી ચકાસણી કરવાનો આદેશ આપતાં, ભવિષ્યમાં આવા હજારો ડિગ્રી ધારકો માટે સરકારી નોકરી મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે.

(9:04 PM IST)