News of Saturday, 5th September 2026
ભારતને મોટી રાહતઃ રશિયા પ્રતિબંધ કાનુન અમેરિકી સંસદમાં અટવાયું, સો ટકા જકાત લાદવાની તલવાર નવેમ્બર સુધી ટળી શકે એવા સંકેતો

વોશિંગ્ટન, તા. ૫: રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતા દેશો ઉપર સો ટકા સુધીની જકાત લાદવાની સત્તા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપતું વિધેયક અમેરિકી પ્રતિનિધિ ગૃહમાં અટવાઈ ગયું છે. વિધેયક નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલાં મતદાન માટે આવે તેવી શક્યતા ઓછી હોવાથી ભારતને તાત્કાલિક રાહત મળી છે.
આ વિધેયક અમેરિકી સેનેટમાં છ્યાસી વિરુદ્ધ અગિયાર મતથી પસાર થયું હતું. તેમાં રશિયન ક્રૂડ તેલ અને કુદરતી વાયુના પાંચ મોટા ખરીદદારો સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ભારત, ચીન અને તુર્કિયે ઉપર તેની સીધી અસર થવાની શક્યતા હતી. જોકે ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષના કેટલાક સાંસદોને ટ્રમ્પને વ્યાપક જકાત સત્તા આપવા સામે વાંધો છે. વૈકલ્પિક તેલની ખરીદી વધે તો વૈશ્વિક ભાવ અને અમેરિકામાં પેટ્રોલના ભાવ ઊંચા જવાની પણ ચિંતા છે. આ રાહત હંગામી છે; વિધેયક રદ થયું નથી અને ચૂંટણી બાદ ફરી આગળ વધી શકે છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
