<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

૨૦૧૫ના બહુચર્ચિત કલિના લેન્ડ સ્કેમમાં છગન ભુજબળને મોટી રાહત: વિશેષ અદાલતે આપી ક્લિનચીટ, તમામ કેસોમાંથી મુક્તિ

મહારાષ્ટ્ર સદન અને હાઉસિંગ પ્રોજેક્ટ બાદ છેલ્લો પેન્ડિંગ કેસ પણ સમાપ્ત; ACB ની ચાર્જશીટ અને હોદ્દાના દુરુપયોગના આરોપો કોર્ટે ફગાવ્યા

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રના રાજકારણ અને કાનૂની વર્તુળોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલિના જમીન કૌભાંડ કેસમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા છગન ભુજબળ તેમજ અન્ય આરોપીઓને વિશેષ અદાલતે મોટી રાહત આપતાં ક્લિન ચિટ આપી દીધી છે. ભુજબળ સામે વિશેષ અદાલતમાં પેન્ડિંગ હોય તેવો આ આખરી કેસ હતો, જે હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે.

આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૫નો છે, જ્યારે છગન ભુજબળ મહારાષ્ટ્રના PWD (જાહેર બાંધકામ વિભાગ) મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આરોપ લગાવ્યો હતો કે કલિનામાં આવેલી એક અત્યંત કિંમતી જમીન લાઈબ્રેરીના બાંધકામના નામે એક જાણીતા ડેવલપરને ફાળવવામાં ભુજબળ અને અન્ય અધિકારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ACB ની ચાર્જશીટમાં દાવો કરાયો હતો કે અગાઉથી નક્કી કરેલી યોજના મુજબ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

જોકે, લાંબી કાનૂની લડાઈ બાદ વિશેષ અદાલતે તમામ આરોપોને ફગાવી દઈને ભુજબળ અને અન્ય તમામ સભ્યોને નિર્દોષ જાહેર કર્યા છે. આ અગાઉ તેમને દિલ્હી સ્થિત મહારાષ્ટ્ર સદન અને નવી મુંબઈના હાઉસિંગ પ્રોજેક્ટના બાંધકામમાં કમિશન અને નાણાકીય ગેરરીતિના કેસોમાંથી પણ મુક્તિ મળી ચૂકી છે. આ કલિના લેન્ડ સ્કેમમાંથી ક્લિન ચિટ મળવાની સાથે જ ભુજબળ સામેના તમામ કથિત ભ્રષ્ટાચારના કેસો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

(5:38 PM IST)