News of Thursday, 23rd July 2026
NEET-UG ૨૦૨૪ પેપર લીક મામલે સંજીવ મુખિયાને CBI તરફથી મોટી રાહત : તપાસમાં કોઈ ભૂમિકા ન મળતા ક્લીન ચિટ મળી
હજારીબાગની સ્કૂલમાંથી જ પેપર લીક થયાનું તપાસમાં સ્પષ્ટ : ચાર્જશીટ અને ફોરેન્સિક પુરાવાઓમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ નક્કર સાબિતી ન મળતા રાહત આપતી સીબીઆઈ

પટના: દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા NEET-UG ૨૦૨૪ પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી આ કેસમાં શંકાના દાયરામાં રહેલા અને ચર્ચામાં આવેલા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને સીબીઆઈ દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે NEET-UG ૨૦૨૪ ના પ્રશ્નપત્ર લીક કેસમાં સંજીવ મુખિયાની કોઈ જ ભૂમિકા મળી નથી. સીબીઆઈ મુજબ ઉપલબ્ધ પુરાવાઓના આધારે એવું ક્યાંય પણ સાબિત થતું નથી કે તેણે પ્રશ્નપત્ર ચોરી કરાવ્યું, તેને લીક કર્યું કે પછી પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડ્યું હતું.
હજારીબાગની ઓએસિસ સ્કૂલ જ પેપર લીકનું મુખ્ય કેન્દ્ર હતું
સીબીઆઈ દ્વારા કરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે પેપર લીકની સમગ્ર ષડયંત્રનું મુખ્ય કેન્દ્ર ઝારખંડના હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલ હતું. આ જ પરીક્ષા કેન્દ્ર પરથી પ્રશ્નપત્ર સુધી ગેરકાયદેસર પહોંચ બનાવવામાં આવી હતી. તે પછી સોલ્વર ગેંગ દ્વારા ઉકેલાયેલા પ્રશ્નપત્રો અત્યંત સીમિત માત્રામાં ચોક્કસ ઉમેદવારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ અગાઉ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા અહેવાલ અને પોતાની ચાર્જશીટમાં જે લોકોની ભૂમિકાઓનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં પણ સંજીવ મુખિયાનું નામ સામેલ નહોતું.
સંજીવ મુખિયા સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી - CBI
સીબીઆઈની સ્પષ્ટતા અનુસાર, સમગ્ર તપાસ દરમિયાન એવા કોઈ જ ટેકનિકલ, ફોરેન્સિક કે પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી જે દર્શાવે કે સંજીવ મુખિયાએ:
NEET-UG ૨૦૨૪ નું પ્રશ્નપત્ર ચોરી કર્યું હોય.
પ્રશ્નપત્ર લીક કરાવવામાં કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવી હોય.
પ્રશ્નપત્ર કે તેના જવાબો ઉમેદવારો સુધી પહોંચાડ્યા હોય.
આ સમગ્ર કાવતરાનું સંચાલન અથવા નાણાકીય વ્યવસ્થાપન (ફાઇનાન્સ) કર્યું હોય.
તપાસ દરમિયાન એજન્સીએ હજારીબાગ કેન્દ્ર પરથી ગેરકાયદેસર રીતે પેપર મેળવનારા અને સોલ્વર ગેંગ દ્વારા પેપર પહોંચાડનારા અનેક આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે.
કોણ છે સંજીવ મુખિયા?
મૂળ બિહારના નાલંદા જિલ્લાના નગરનૌસાનો નિવાસી સંજીવ મુખિયા સોલ્વર ગેંગનો જૂનો સભ્ય રહ્યો છે. છેલ્લા બે દાયકાથી તે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગડબડી અને સેટીંગ કરવામાં સામેલ રહ્યો છે, જેના કારણે ભૂતકાળમાં પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલવાસ પણ ભોગવ્યો છે. સંજીવ મુખિયા પોતે બિહાર સરકારનો ભૂતપૂર્વ કર્મચારી રહી ચૂક્યો છે, જ્યાં તે લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC) તરીકે તૈનાત હતો. તેનો પુત્ર ડો. શિવ પણ શિક્ષક બહાલી પેપર લીક કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે. સંજીવ મુખિયાની પત્ની શ્રીમતી મમતા દેવી અગાઉ સરપંચ (મુખિયા) રહી ચૂક્યા છે અને તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે. શ્રીમતી મમતા દેવીએ લોજપાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી, જોકે તેમાં તેમને સફળતા મળી નહોતી.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
