તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટની મોટી રાહત : ૪૨૦ કરોડના ટેક્સ ચોરી કેસમાં જેલ અને દંડ પર વચગાળાનો સ્ટે!
કાળા નાણાં કાયદા હેઠળ ૧૦ વર્ષની જેલની સજાની તલવાર લટકતી હતી ત્યારે જ જસ્ટિસ કોલાબાવાલાની બેન્ચે આપી રાહત

મુંબઈ: ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કાળા નાણાં (બ્લેક મની) કાયદા હેઠળ ચાલી રહેલા ૪૨૦ કરોડ રૂપિયાના કરચોરીના મામલામાં બોમ્બે હાઈકોર્ટ તરફથી ખૂબ જ મોટી અને નિર્ણાયક રાહત મળી છે. હાઈકોર્ટના જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોસ પૂનીવાલાની ખંડપીઠે અનિલ અંબાણીની અરજી પર સુનાવણી કરતા આવકવેરા વિભાગ દ્વારા તેમની સામે થઈ શકનારી તમામ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી અને દંડ પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. આવકવેરા વિભાગે અંબાણી પર 'ઇરાદાપૂર્વક' ટેક્સ ચોરી કરવાનો અને ભારતીય સત્તાધીશોથી પોતાની વિદેશી સંપત્તિ છુપાવવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો, જેમાં તેમને મહત્તમ ૧૦ વર્ષની જેલની સજા થઈ શકતી હતી, પરંતુ કોર્ટના આ આદેશથી હાલ પૂરતી અંબાણીની ધરપકડ ટળી ગઈ છે.
આ સમગ્ર વિવાદની પાછળ સ્વિસ બેંકોમાં છુપાયેલું મોટું નાણાકીય સામ્રાજ્ય જવાબદાર છે. આવકવેરા વિભાગે ઓગસ્ટ ૨૦૨૨માં અનિલ અંબાણીને એક કારણદર્શક નોટિસ પાઠવી હતી, જેમાં દાવો કરાયો હતો કે અંબાણીએ સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં બે ગુપ્ત ખાતાઓ ખોલાવીને તેમાં અંદાજે ૮૧૪ કરોડ રૂપિયા (રૂ. ૮,૧૪,૨૭,૯૫,૭૮૪) નું અઘોષિત ભંડોળ જમા રાખ્યું છે. આ વિદેશી સંપત્તિ પર કાયદેસર રીતે બનતો ૪૨૦ કરોડ રૂપિયાનો ટેક્સ ન ચૂકવીને દેશની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આઈટી વિભાગનો દાવો છે. જો કે, અનિલ અંબાણીએ આ આકારણી સામે આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ કાનૂની પડકાર ફેંક્યો છે, અને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અપીલની સુનાવણી ચાલુ રહેશે પરંતુ અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી અંબાણી સામે કોઈ કડક પગલાં ભરી શકાશે નહીં.
અનિલ અંબાણીના વકીલોએ હાઈકોર્ટમાં બ્લેક મની એક્ટ, ૨૦૧૫ ની જોગવાઈઓની બંધારણીય માન્યતાને જ સીધી કોર્ટમાં પડકારીને આ કેસનો આખો પલટો ફેરવી નાખ્યો છે. અંબાણી તરફથી કોર્ટમાં એવી મજબૂત દલીલ કરવામાં આવી છે કે કાળું નાણું અટકાવવાનો આ કાયદો વર્ષ ૨૦૧૫ માં અમલમાં આવ્યો હતો, જ્યારે આવકવેરા વિભાગ જે બેંક ખાતાઓની વાત કરી રહ્યો છે તે વર્ષ ૨૦૦૬-૦૭ અને ૨૦૧૦-૧૧ ના સમયગાળાના છે. કોઈપણ કાયદો ભૂતકાળની અસરથી (પાછલી અસરથી) લાગુ કરીને નાગરિકને ગુનેગાર ઠેરવી શકાય નહીં, કારણ કે તે ભારતીય બંધારણની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધ છે. હાઈકોર્ટે આ બંધારણીય મુદ્દાની ગંભીરતાને સ્વીકારીને કેન્દ્ર સરકારને આ મામલે પોતાનું સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
