<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

દિલ્હીમાં મોટો રાજકીય સંગ્રામ: જંતર-મંતર પર આંદોલન વધુ ઉગ્ર બન્યું, સોનમ વાંગચુકની તબિયત લથડી

પેપર લીક અને શૈક્ષણિક ગેરરીતિઓ વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો મોરચો ૧૧મા દિવસમાં પ્રવેશ્યો : ભાજપ પ્રમુખના 'વાયરસ' વાળા નિવેદન સામે અભિજીત દીપકનો જોરદાર વળતો પ્રહાર

નવી દિલ્હી: દેશની રાજધાનીના પ્રતિષ્ઠિત વિરોધ પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર પરીક્ષા પ્રણાલીની અનિયમિતતાઓ અને NEET પેપર લીક મામલે ચાલી રહેલું આંદોલન હવે અત્યંત નાજુક અને આક્રમક વળાંક પર પહોંચી ગયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રદર્શનના ૧૧મા દિવસે જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો ત્રીજો દિવસ હતો, જેમાં અસહ્ય ગરમીના કારણે તેમનું બ્લડ સુગર લેવલ જોખમી રીતે ઘટીને ૬૬ થઈ ગયું છે. ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે, જ્યારે CJPના પ્રવક્તા આશુતોષ રંકાએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વાંગચુકના સ્વાસ્થ્યને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

બીજી તરફ, ભાજપ પ્રમુખ નીતિન નવીન દ્વારા પ્રદર્શનકારીઓની સરખામણી 'વાયરસ' સાથે કરવામાં આવતા આંદોલનની આગમાં ઘી હોમાયું છે. CJPના સ્થાપક અભિજીત દીપકે આ ભાષા સામે સખત વાંધો ઉઠાવતા સરકાર પર સીધો પ્રહાર કર્યો અને કહ્યું, "અમે વાયરસ નથી, પણ તમારી ભ્રષ્ટ વ્યવસ્થાના વાયરસ સામેની 'રસી' છીએ, ધર્મેન્દ્ર પ્રધાન!" તેમણે રાજસ્થાન પેરામેડિકલ કાઉન્સિલની પરીક્ષાના પેપર લીકનો ચોંકાવનારો દાખલો આપતા કહ્યું કે, જયપુરની કોલેજમાંથી પેપર લીક થવું એ સાબિત કરે છે કે આ માત્ર NEET પૂરતો મર્યાદિત મુદ્દો નથી, પરંતુ દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને નોકરીઓ સાથે થતી મોટી રમત છે. તેમણે વાલીઓને અપીલ કરી કે ડર્યા વગર પોતાના બાળકોને આ ન્યાયની લડાઈમાં જોડાવા દે.

વિરોધ પ્રદર્શનને દબાવવા માટે જંતર-મંતર આસપાસ કરવામાં આવેલા ભારે પોલીસ બંદોબસ્ત અને કડક પ્રતિબંધો સામે પણ આંદોલનકારીઓએ ભારે રોષ ઠાલવ્યો છે. અભિજીત દીપકે આક્ષેપ કર્યો છે કે ખેડૂત નેતાઓ અને વિદ્યાર્થી કાર્યકરોને પ્રદર્શન સ્થળે આવતા રોકવા માટે નજરકેદ કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય નાગરિકો પાસે પણ ઓળખપત્રો માંગવામાં આવી રહ્યા છે. તેમણે સરકારની બેવડી નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જે ગુનેગારોએ પેપર લીક કરીને યુવાનોનું ભવિષ્ય રોળ્યું છે તેમની ધરપકડ કરવાને બદલે સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકોનો અવાજ દબાવવામાં પોતાની પૂરી શક્તિ વાપરી રહી છે, પરંતુ આ તમામ અવરોધો છતાં વિદ્યાર્થીઓનો આ આક્રોશ અટકવાનો નથી.

(9:57 PM IST)