News of Saturday, 12th September 2026
બસપામાં મોટો રાજકીય ફેરબદલ: માયાવતી હવે ભત્રીજી દીપિકા આનંદને સોંપશે મોટી જવાબદારીઓ
આકાશ અને ઇશાન પરથી વિશ્વાસ ઉઠ્યા બાદ લંડનમાં કાયદાનો અભ્યાસ કરતી ભત્રીજી પર ભરોસો : જરૂર પડ્યે કમાન સોંપવાના સંકેત

લખનૌ: બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ માયાવતીએ પાર્ટીના સંગઠન અને મિશનને આગળ ધપાવવા માટે એક મહત્વપૂર્ણ રાજકીય નિર્ણય લીધો છે. ભત્રીજા આકાશ અને ઇશાન આનંદ પરથી વિશ્વાસ ગુમાવ્યા બાદ, હવે માયાવતીએ તેમની ૨૨ વર્ષની ભત્રીજી દીપિકા આનંદ પર પસંદગી ઉતારી છે અને તેમને બસપાના વડા તરીકે પોતાની સાથે રાખીને મહત્વની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય કર્યો છે.
દીપિકા આનંદ બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ કુમારની એકમાત્ર પુત્રી છે અને હાલમાં લંડનમાં કાયદાની ડિગ્રી મેળવી રહી છે. અત્યાર સુધી તેઓ કોઈ રાજકીય કાર્યક્રમોમાં જોવા મળ્યા નહોતા કે મીડિયાની ચર્ચામાં પણ નહોતા. પરંતુ માયાવતીએ અચાનક સોશિયલ મીડિયા પર તેમની ભાગીદારીની જાહેરાત કરીને આનંદ કુમારની મદદ માટે દીપિકાનું નામ પ્રસ્તાવિત કરતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે હવે આનંદ કુમારના પુત્રોને કોઈ જવાબદારી સોંપવામાં આવશે નહીં, પરંતુ કાયદાનો અભ્યાસ કરી રહેલી દીપિકા બસપાના મિશનને આગળ ધપાવશે. જરૂર પડે આનંદ કુમાર પોતાની જવાબદારીઓ તેમને સોંપી શકશે. તેમણે ઉમેર્યું હતું કે દીપિકાના કામગીરીનું મૂલ્યાંકન કર્યા પછી જ ભવિષ્યના મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
બસપા સુપ્રીમોએ સંકેત આપ્યો હતો કે પાર્ટીમાં કોઈ પદનો આધાર પરિવાર નહીં, પરંતુ સંગઠન અને મિશન પ્રત્યેની સમર્પણ ભાવના હોવી જોઈએ. જો દીપિકા આનંદ ભવિષ્યમાં પાર્ટીની જવાબદારીઓ સંભાળવા તૈયાર ન થાય, તો કોઈ અન્ય સમર્પિત દલિત મિશનરી કાર્યકરને પણ આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
