<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

નેપાળના રાજકારણમાં મોટો રાજકીય ધડાકો: ગેસ કટોકટી અને વિવાદાસ્પદ નિવેદનને કારણે વાણિજ્ય મંત્રી ગૌરી કુમારી યાદવે આપ્યું રાજીનામું!

બાલેન શાહની સરકારને મોટો ઝટકો: માર્ચમાં સરકાર બન્યા બાદ કેબિનેટમાંથી ત્રીજું રાજીનામું; ગેસ કંપનીઓ સામે લાલ આંખ કરવી પડી ભારે

કાઠમંડુ : નેપાળની રાજનીતિમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિમાલયી રાષ્ટ્રના ઉદ્યોગ, વાણિજ્ય અને આપૂર્તિ મંત્રી ગૌરી કુમારી યાદવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશમાં ચાલી રહેલી ગંભીર ગેસ કટોકટી અને ગેસ સપ્લાયર્સ વિશે આપેલા એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન બાદ સર્જાયેલા ભારે રાજકીય હલ્કા વચ્ચે તેમણે આ પગલું ભર્યું છે. ગૌરી કુમારી યાદવનું આ રાજીનામું વડા પ્રધાન બાલેન્દ્ર “બાલેન” શાહની સરકાર માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે માર્ચ મહિનામાં નવી સરકાર રચાયા બાદ કેબિનેટમાંથી રાજીનામું આપનાર તેઓ ત્રીજા મંત્રી છે.

 

વિવાદાસ્પદ નિવેદન અને ગેસ કંપનીઓ સામે આક્ષેપો

 

સંસદીય સમિતિની બેઠક દરમિયાન મંત્રી ગૌરી કુમારી યાદવે દેશમાં ચાલી રહેલી રાંધણ ગેસ (LPG) ની અછત અંગે લાલ આંખ કરી હતી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશમાં તમામ 58 ગેસ કંપનીઓના લાયસન્સ રદ કરી દેવા જોઈએ, કારણ કે આ કંપનીઓ સરકાર અને નેપાળ ઓઇલ કોર્પોરેશનના આદેશોનું પાલન કરતી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કાઠમંડુ ઘાટીમાં મોકલવામાં આવેલા હજારો ગેસ સિિલન્ડરો બજારમાં પહોંચતા પહેલા જ ગાયબ થઈ જાય છે, જે ખૂબ જ શરમજનક બાબત છે.

 

વેપારીઓનો વિરોધ અને રાજકીય ગરમાવો

 

મંત્રીના આ આક્રમક અને વિવાદાસ્પદ નિવેદન બાદ ઉદ્યોગ જગત અને ગેસ સપ્લાયર્સમાં ભારે રોષ ફેલાયો હતો. વ્યાપારી સંગઠનોએ સીધા વડા પ્રધાન સમક્ષ તેની સખત શિકાયત કરી હતી. પરિસ્થિતિ બગડતી જોઈને આખરે ગૌરી કુમારી યાદવે પોતાના પદ પરથી રાજીનામું વડા પ્રધાન બાલેન શાહને સોંપી દીધું છે. આ ઘટનાક્રમથી નેપાળના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(7:02 PM IST)