તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ધડાકો: UCC નો ડ્રાફ્ટ તૈયાર કરવા સીએમ ફડણવીસે બનાવી હાઈપ્રોફાઈલ કમિટી!
ઉત્તરાખંડ બાદ હવે મહારાષ્ટ્ર પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા ભણી : શિયાળુ સત્રમાં જ કાયદો લાવવાના ટાર્ગેટ સાથે ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની ટીમ મેદાનમાં

મુંબઈ: દેશના સૌથી ધનાઢ્ય અને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા મહારાષ્ટ્ર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં સરકારે એક બહુ મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં સનસનાટીભરી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યમાં UCC ના કડક નિયમો અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક હાઈપાવર સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી છ મહિનામાં પોતાનો વિગતવાર અહેવાલ સબમિટ કરશે અને સરકારનો પૂરો પ્રયાસ રહેશે કે નાગપુરમાં યોજાનારા આગામી શિયાળુ સત્રમાં જ આ ઐતિહાસિક કાયદો ગૃહમાં રજૂ કરી દેવામાં આવે.
આ હાઈપ્રોફાઈલ સાત સભ્યોની પેનલમાં માત્ર કાનૂની દિગ્ગજો જ નહીં પરંતુ વહીવટી અને સામાજિક ક્ષેત્રના સ્કોલર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જસ્ટિસ રંજના દેસાઈની કમાન્ડ હેઠળ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર.સી. ચવ્હાણ અને એસ.જી. મેહરે, રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ ડી.કે. જૈન, પૂર્વ એડવોકેટ જનરલ વીરેન્દ્ર સરાફ, બંધારણીય મામલાના નિષ્ણાત રમેશ પતંગે અને જાણીતા શિક્ષણવિદ ડૉ. સુવર્ણા રાવલ જેવા મહારથીઓ આ કાયદાનો આખરી ડ્રાફ્ટ તૈયાર કરશે. ઉત્તરાખંડ બાદ હવે મહારાષ્ટ્ર પણ આ કાયદો લાવવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે આસામ અને ગુજરાત પણ આ જ રસ્તે કાયદો ઘડવાની તૈયારી કરી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં હવે 'એક દેશ, એક કાયદો' ની દિશામાં રાજ્યો ઝડપથી આગળ વધી રહ્યા છે.
આ જાહેરાત થતાં જ શિવસેના (શિંદે જૂથ) ના નેતા મનીષા કાયાંદેએ મુખ્યમંત્રીના આ નિર્ણયનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે અને આને બાળાસાહેબ ઠાકરેના સપના સાથે જોડ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના ત્રણ મુખ્ય સપના હતા – અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવી અને દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી. આ નિર્ણયથી મહાયુતિ સરકાર પોતાના વૈચારિક એજન્ડા પર મક્કમ હોવાનો સંદેશ આપી રહી છે, જોકે આગામી દિવસોમાં આ કાયદાના ડ્રાફ્ટને લઈને વિપક્ષી છાવણી અને વિવિધ ધાર્મિક સંગઠનો વચ્ચે મોટો રાજકીય સંગ્રામ ખેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
