<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ભારતમાં ખાદ્યતેલની અછત નિવારવા મોટો પ્લાન: સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશને મોઝામ્બિક સાથે 'તેલીબિયાં કોરિડોર' વિકસાવવા કર્યા ઐતિહાસિક કરાર!

દક્ષિણ અમેરિકા અને મલેશિયા પરની નિર્ભરતા ઘટાડવા આફ્રિકામાં નવો વિકલ્પ: ૨૦૪૭ સુધીમાં ભારતની ખાદ્યતેલની માગ ૪.૬૫ કરોડ ટને પહોંચવાના અંદાજ વચ્ચે ભારતીય ઉદ્યોગનો માસ્ટરસ્ટ્રોક

નવી દિલ્હી : દેશમાં ખાદ્યતેલના પુરવઠાને સુનિશ્ચિત કરવા અને ભવિષ્યની માગને પહોંચી વળવા માટે સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના અગ્રણી સંગઠન 'સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા' (SEA) એ એક મોટી રાજદ્વારી અને વ્યાપારી સફળતા મેળવી છે. એસોસિયેશને ઉત્તર મોઝામ્બિકના સમૃદ્ધ 'નામપુલા' (Nampula) પ્રાંતની સરકાર સાથે બંને દેશો વચ્ચે ટકાઉ તેલીબિયાં અને વનસ્પતિ તેલના કોરિડોર વિકસાવવા માટે મહત્વના કરાર (Statement of Interest) પર હસ્તાક્ષર કર્યા છે.

 

મુંબઈના 'ગ્લોબ ઓઈલ ઈન્ડિયા' કાર્યક્રમમાં થયા હસ્તાક્ષર

 

મુંબઈ ખાતે યોજાયેલા 'ગ્લોબ ઓઈલ ઈન્ડિયા' ઈવેન્ટ દરમિયાન નામપુલાના ગવર્નર એડ્યુઆર્ડો મારિયામો અબ્દુલ અને સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અંગશુ મલ્લિક વચ્ચે આ કરાર સંપન્ન થયા હતા. હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું ૬૦ ટકા ખાદ્યતેલ ઈન્ડોનેશિયા, મલેશિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન જેવા ગણ્યા-ગાંઠ્યા દેશોમાંથી આયાત કરે છે. સપ્લાય ચેઈનનો આ જોખમી એકાધિકાર તોડવા માટે ભારત હવે આફ્રિકન દેશો સાથે નવી ભાગીદારી શોધી રહ્યું છે.

 

૨૦૪૭ સુધીમાં ૪.૬૫ કરોડ ટન માગનો અંદાજ

 

અહેવાલ મુજબ, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની ખાદ્યતેલની વાર્ષિક માગ વધીને ૪.૬૫ કરોડ ટન સુધી પહોંચી જશે. માત્ર દેશી 'નેશનલ ઓઈલ સીડ્સ મિશન' વડે આ જંગી માગને પહોંચી વળવી મુશ્કેલ હોવાથી વિદેશમાં વાવેતર અને આયાતના નવા સ્ત્રોત ઊભા કરવા અનિવાર્ય બન્યા છે. મોઝામ્બિકનો નામપુલા પ્રાંત કૃષિ દ્રષ્ટિએ અત્યંત ફળદ્રુપ છે, જ્યાં મગફળી, સોયાબીન, તલ અને ઓઈલ પામનું મબલખ ઉત્પાદન થાય છે. આ પ્રાંત 'નાકાલા ડેવલપમેન્ટ કોરિડોર' પર આવેલો હોવાથી હિંદ મહાસાગરના ઊંડા પાણીના બંદર દ્વારા ભારત સુધીનો દરિયાઈ માર્ગ દક્ષિણ અમેરિકા કરતાં ઘણો ટૂંકો અને ઝડપી બનશે.

 

પ્રારંભિક ૩ વર્ષનો સ્ટડી અને ભવિષ્યનો રોડમેપ

 

આ કરાર હેઠળ પ્રથમ ૩ વર્ષનો પ્રારંભિક તબક્કો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભારતીય અને મોઝામ્બિકના તજજ્ઞો સંયુક્ત રીતે જમીન, પાકની ક્ષમતા, તેલના પુરવઠા અને જરૂરી રોકાણનો અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને મોઝામ્બિક વચ્ચે કઠોળના વેપાર માટે પહેલેથી જ લાંબા ગાળાનો કરાર કાર્યરત છે, જે તેલીબિયાં ક્ષેત્ર માટે પણ ભવિષ્યમાં મજબૂત માળખું પૂરું પાડશે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતે ૧.૬ કરોડ ટન ખાદ્યતેલની આયાત કરી હતી, જેમાં આ નવી આફ્રિકન ભાગીદારી આગામી દિવસોમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

(8:22 PM IST)